ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાત સહિત દેશભરમાં ભાજપ દ્વારા પક્ષના સ્થાપના દિવસની ઉજવણી

નવી દિલ્હી, 06 એપ્રિલ: આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ગુજરાત સહિત દેશભરમાં ભાજપ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે, પાર્ટીના સ્થાપ્ના દિવસ પર દેશભરના મારા મહેનતુ કાર્યકરોને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભેચ્છા. બીજી તરફ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને માલ્યાર્પણ કરીને ભાજપ સ્થાપના દિવસ ઉજવ્યો હતો.

પીએમ મોદીએ ભાજપના સ્થાપના દિવસ પર X પર સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું- આજનો દિવસ ભારતીય જનતા પાર્ટીની તે તમામ મહાન હસ્તીઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે, જેમણે વર્ષોથી પોતાની મહેનત, સંઘર્ષ અને બલિદાનથી પાર્ટીને આ ઊંચાઇ પર પહોંચાડી છે. આજે હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે ભાજપ દેશની સૌથી પ્રિય પાર્ટી છે, જે ‘નેશન ફર્સ્ટ’ના મંત્ર સાથે લોકોની સેવા કરવામાં લાગેલી છે.

હંમેશા રાષ્ટ્રવાદી મૂલ્યોને સમર્પિત

પીએમ મોદીએ આગળ લખ્યું, આપણા બધા માટે ગર્વની વાત છે કે ભાજપ હંમેશા તેના વિકાસલક્ષી વિઝન, સુશાસન અને રાષ્ટ્રવાદી મૂલ્યોને સમર્પિત છે. ભાજપની સૌથી મોટી તાકાત તેના કાર્યકરો છે, જેઓ 140 કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દિનરાત મહેનત કરી રહ્યા છે. દેશના યુવાનો ભાજપને એક એવી પાર્ટી તરીકે જુએ છે જે તેમના સપના સાકાર કરવા અને 21મી સદીમાં ભારતને મજબૂત નેતૃત્વ આપવા સક્ષમ છે.

પીએમ મોદીએ સુશાસન અને વિકાસનો ઉલ્લેખ કર્યો

આ ઉપરાંત પીએમ મોદીએ એક પછી એક પોસ્ટ કરીને સુશાસન અને વિકાસની પણ વાત કરી. તેમણે લખ્યું કે, ‘કેન્દ્ર હોય કે રાજ્ય, અમારી પાર્ટીએ સુશાસનની નવી વ્યાખ્યા બનાવી છે. અમારી યોજનાઓ અને નીતિઓએ દેશના ગરીબ અને વંચિત ભાઈ-બહેનોને એક નવી તાકાત આપી છે. દાયકાઓથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને ભાજપમાં પોતાના માટે આશાનું મોટું કિરણ જોવા મળ્યું. ભાજપ પાર્ટી તેમનો મજબૂત અવાજ બનીને આગળ આવી છે. અમે હંમેશા સર્વાંગી વિકાસ માટે કામ કર્યું છે, જેના કારણે દરેક દેશવાસીઓનું જીવન સરળ બન્યું છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. ત્યારબાદ ગાંધીનગર મહાનગરપાલિકાન વોર્ડ પ્રમુખ કમલેશભાઈ બેંકરના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ લગાવ્યો હતો. આ અવસરે તેમણે કહ્યું કે, વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવ્યું છે, રાષ્ટ્રહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વિકાસની રાજનીતિનો આગવો પથ કંડાર્યો છે. અનેક મહાન નેતાઓના વિઝન અને અસંખ્ય કાર્યકર્તાઓના પુરુષાર્થથી ભાજપાના વિરાટ વટવૃક્ષનું નિર્માણ થયું છે.

આ પણ વાંચો: અમે 25 કરોડ લોકોને ગરીબીમાંથી મુક્ત કર્યા : PM મોદી

Back to top button