જૂનાગઢ જિલ્લાની 715 સરકારી શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ”ની ઉજવણી
- છ દિવસ સુધી જિલ્લાની વિવિધ શાળાઓમાં 126 ઈવેન્ટનું આયોજન
- ભૂકંપ, વાવાઝોડુ, પુર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી આપત્તિઓ સમયે વ્યવસ્થાપનની સમજ અપાશે
- રેસ્કયુ નિદર્શન, ફાયર ફાઈટીંગ ડેમોસ્ટ્રેશન અને ભૂકંપ વિષયક પ્રેઝન્ટેશન રજૂ થશે
જૂનાગઢ, 30 જાન્યઆરી: રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ શાળા સલામતી કાર્યક્રમ અંતરગત જૂનાગઢ જિલ્લાની 715 સરકારી શાળામાં “શાળા સલામતી સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. ભૂકંપ, વાવાઝોડુ, પુર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત્તિ કેળવાય તે હેતુથી જૂનાગઢ જિલ્લાની 715 સરકારી શાળાઓમાં 126 જેટલી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે તા. ૨૯ જાન્યુઆરી થી તા. ૩ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી જૂનાગઢ જિલ્લાની ૧૨૬ પ્રાથમિક શાળામાં મેગા ઈવેન્ટ અને કુલ ૭૧૫ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૪’’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
તા. ૨૯ જાન્યુઆરીના રોજ પ્રથમ દિવસે તમામ બાળકોને બાયસેગ ઉપર આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમ બતાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટનમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપત્તિ, જોખમ, અસુરક્ષિતતા અને ક્ષમતાની સમજ અને શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાની સમજ આપવામાં આવી હતી. તેમજ આજે તા. ૩૦ જાન્યુઆરીના રોજ બીજા દિવસે શાળાના તાલીમ પામેલા શિક્ષકો દ્વારા સંભવિત હેઝાર્ડની ચાર્ટ/પોસ્ટર, આઈઈસી, ઓડિયો,વીડિયોના માધ્યમથી સમજ આપવામાં આવી હતી.
આવતી કાલે 31 જાન્યુઆરીના રોજ ત્રીજા દિવસે શાળાના તાલીમ પામેલા શિક્ષકો, ફાયર બ્રિગેડ અને આપદામિત્ર દ્વારા આગ, અકસ્માત, ભૂકંપ અને પૂર જેવી આપત્તિ સમયેની સમજ અપાશે. ત્યાર બાદ તા. ૧ ફેબ્રુઆરીના રોજ ચોથા દિવસે ચિત્ર, નિબંધ, વકતૃત્વ સ્પર્ધા શાળા કક્ષાએ યોજાશે. તા. ૨ ફેબ્રુઆરીના રોજ પાંચમાં દિવસે ૧૦૮ એમ્બ્યુલન્સ, એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા શોધ અને બચાવ તેમજ પ્રાથમિક સારવાર અંગેની માહિતી આપવામાં આવશે. તા. ૩ ફેબ્રુઆરીના રોજ છઠ્ઠા દિવસે એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા ડેમોસ્ટ્રેશન, મોકડ્રીલ અને ઈનામ વિતરણ કરાશે.
જૂનાગઢ જિલ્લાની ૧૨૬ પ્રાથમિક શાળાઓમાં મેગા ઈવેન્ટ અને જિલ્લાની કુલ ૭૧૫ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ’’ની ઉજવણી સતત છ દિવસ સુધી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત સાથે કિંજલ દવે ફરી મચાવશે ધૂમ, કોર્ટે કેસ રદ કર્યો