ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

પાટણમાં કેબિનેટમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી

  • શરીરને સ્વસ્થ રાખવા યોગ ખૂબ જરુરી હોવાથી  આવો સૌ સાથે મળીને યોગ કરીએ: કેન્દ્રીય મંત્રી 
  • કાર્યક્રમમાં નડાબેટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યોગ સમારંભને સૌએ લાઈવ નિહાળ્યો હતો

પાટણ, 21 જૂન: આજે 21 મી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આજના દિવસે વિશ્વભરમાં યોગ કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ યોગ કરીને આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના પાટણ શહેરમાં પણ વહેલી સવારે હૂંફાળા પવન સાથે ત્યાંના લોકો યોગમયી બન્યા હતા. પી.કે.કોટાવાલા કૉલેજ ખાતે કેબિનેટમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં નડાબેટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યોગ સમારંભને સૌએ લાઈવ નિહાળવામાં આવ્યો હતો.

કેન્દ્રીયમંત્રી બળવંત રાજપૂત
કેન્દ્રીયમંત્રી બળવંત રાજપૂત

કાર્યક્રમમાં 2000થી વધુ લોકો રહ્યાં ઉપસ્થિત 

પી.કે.કોટાવાલા કૉલેજ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજીત યોગ દિવસના કાર્યક્રમમાં 2000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, આજે ગૌરવનો દિવસ છે કારણ કે સમગ્ર વિશ્વમાં આજે ભારતની સંસ્કૃતિ એવા યોગની નોંધ લેવામાં આવી રહી છે. આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું હતુ કે, માત્ર ભારત જ નહી પરંતું સમગ્ર વિશ્વમાં યોગને સ્થાન મળવું જોઈએ. વડાપ્રધાને વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાની વાત કહી હતી. ત્યારથી અત્યાર સુધી 21મી જૂનના રોજ આપણે સૌ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ.

પાટણ યોગ કાર્યક્રમ
પાટણ યોગ કાર્યક્રમ

છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવાનો પ્રયત્ન

મંત્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું કે, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2019માં યોગ બોર્ડની સ્થાપના કરીને છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા છે. આજે ગુજરાતના નડાબેટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું લાઈવ માર્ગદર્શન આપણે સૌએ મેળવ્યું. તો આજે સૌ સાથે મળીને યોગને પોતાના જીવનમાં સ્થાન આપવાનો સંકલ્પ લઇએ.

મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવીન્દ્ર પટેલ, DRDA નિયામક આર.પી.જોષી, રમત ગમત અધિકારી નરેશ ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરી, લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોષી સહિત વિવિધ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં પાટણનાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ જુઓ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો

Back to top button