ગુજરાતટોપ ન્યૂઝ

મહાશિવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, ફરાળ માટેની સામગ્રીના વેચાણમાં વધારો

આજે મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશના રોજ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે. અમદાવાદના શિવાલયોમાં, સોસાયટીઓમાં તથા ઘરોમાં શિવરાત્રિના દિવસે પૂજા-પાઠ અને હવન કરવામાં આવે છે. મોટાભાગના લોકો તહેવારની ઉજવણી ઉપવાસ કરીને કરતા હોય છે. શિવભક્તો ઢોલ, નગારા, ઝાલર, મંજીરા, શંખનાદ કરીને વાતાવરણને વધુ ભક્તિમય બનાવે છે.

શક્કરિયાં, રતાળું, બટાકા, કેળા, મરચાં, આદું વગેરે શાકભાજીનું વેચાણ વધ્યું

શિવરાત્રિના થોડા દિવસ અગાઉથી જ ભક્તો ઉજાણીની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. વ્રતમાં કરવામાં આવતા ઉપવાસ અને ફળાહાર માટે સાબુદાણા, સીંગદાણા, રાજગીરાનો લોટ, શિંગોડાનો લોટ, ફરાળી લોટ, સૂકું અને લીલુ નાળિયેર સહિતની સામગ્રીની અગાઉથી જ ખરીદી થતી હોય છે. ઉપરાંત શક્કરિયાં, રતાળું, બટાકા, કેળા, મરચાં, આદું વગેરે શાકભાજીનું વેચાણ પણ વધુ થતું હોય છે, સાથે જ બટાકાની, સાબુદાણાની કાચી વેફર પણ લેવાનું પસંદ કરતા હોય છે. તહેવાર દરમિયાન ફરાળ માટેની સામગ્રી, દૂધ, શરબત વગેરેના વેચાણમાં સામાન્ય દિવસોની સરખામણીએ ત્રણ ગણો વધારો જોવા મળે છે.

મંદિરોમાં રાત્રિના સમયે દીવડાઓ પ્રજવલ્લિત કરાય છે

શિવરાત્રિના દિવસે શિવાલયોને કરેણ, ગલગોટા સહિતના ફૂલો વડે શણગારવામાં આવે છે. તેમજ શિવજી ને દૂધ, દહીં, મધ, ઘી અને સાકરથી પંચામૃતનો અભિષેક કરી, બિલ્વપત્ર, ધતુરાના ફૂલ, ચંદન, ભભૂત વગેરેાથી શૃંગાર કરવામાં આવે છે. મહાશિવરાત્રિ પર્વે દિવસની પૂજાનું મહત્વ તો છે જ પરંતુ રાત્રિના ચાર પ્રહરની પૂજાનું વધુ મહત્વ હોય છે. મંદિરોમાં રાત્રિના સમયે દીવડાઓ પ્રજવલ્લિત કરાય છે.
એક દિવસીય પર્વ મહાશિવરાત્રિની ઉજવણી ફૂલો, બિલ્વપત્ર, ખોરાકની કાચી વસ્તુઓ, તૈયાર વાનગીઓ, મીઠાઈઓ, દૂધ વગેરેનું ઉત્પાદન કે વેચાણ કરતા અનેક લોકોને કેટલાય મહિનાઓની રોજગારી પૂરી પાડે છે.

ફરાળ બનાવવાની પરંપરાનું સ્થાન ધીરે ધીરે બહારની ફરાળી વાનગીઓએ લીધુ

આધુનિક યુગમાં લોકોના કામોમાં વધારો થતાં, વધુ વ્યસ્ત રહેવા લાગ્યા છે. જેથી ઘરે ફરાળ બનાવવાની પરંપરાનું સ્થાન ધીરે ધીરે બહારની ફરાળી વાનગીઓ લઈ રહી છે. લોકો પેટીસ, બફવડા, સાબુદાણા વડા, સાબુદાણા ખીચડી, સૂકી ભાજી, સાબુદાણાની ખીર, બટાકા અને કેળાની તૈયાર વેફર, ફરાળી ચેવડો, ફરાળી પુરી સહિતની વાનગીઓ બજારમાંથી લાવવાનું પસંદ કરે છે. ફાસ્ટફૂડના સમયમાં ફરાળી પિત્ઝા, સેન્ડવિચ, ઈડલી, ઢોકળા વગેરેની માંગ પણ લોકોમાં જોવા મળે છે. કોઈપણ તહેવારની ઉજવણી મીઠાઈ વિના અધૂરી ગણાય છે. મહાશિવરાત્રિના પર્વ પર દેશી, બંગાળી અને વિવિધ પ્રકારની મીઠાઈઓનો આનંદ માણે છે. ઉપરાંત તૈયાર ઠંડાઈ તથા ઠંડાઈના પેકેટ્સની માંગ પણ રહીશોમાં જોવા મળે છે.

Back to top button