રાજ્યમાં ગુનાખોરીના પ્રમાણમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે જેને પગલે રાજ્ય સરકારે એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે રહેણાંક સોસાયટીઓમાં CCTV કેમેરા ફરજિયાત કરવામાં આવ્યાં છે. રાજ્યના ગૃહવિભાગે રાજ્ય સમક્ષ CCTV કેમેરા પોલીસી રજૂ કરી હતી જેને સરકારે મંજુરી આપી છે.
રાજ્યમાં CCTV કેમેરા પોલીસી અમલી બનશે
1 ઓગસ્ટ 2022થી આ નિર્ણયનો અમલ કરવામાં આવશે.જે તે સોસાયટીમાં લાગેલા સીસીટીવીના ફૂટેજ ૩૦ દિવસ સુધી સાચવવાના રહેશે. રહેણાંક સોસાયટીમાં હવે સરકારી ધારા-ધોરણો પ્રમાણે CCTV કેમેરા લગાવવા પડશે. રહેણાંક સોસાયટીમાં CCTV કેમેરા લગાવવા સરકાર ખાસ નિયમો બનાવશે. પોલિસી અંતર્ગત ઝોન પ્રમાણે સોસાયટીની વહેંચણી કરવામાં આવશે. સોસાયટીમાં CCTV કેમેરા લગાવવાની મંજૂરી આપવા કમિટી બનશે. કમિટીની અંદર જે-તે પોલીસ મથક તથા વહીવટીય અધિકારીનો સમાવેશ કરવામાં આવશે. કમિટીની મંજૂરી લીધા બાદ જ રહેણાંક સોસાયટીમાં CCTV કેમેરા લગાવાશે.
આ 8 મહાનગરમાં અમલ કરાશે
આ અધિનિયમ પ્રથમ તબક્કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ 8 મહાનગરોમાં અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
CCTV કેમેરાનો ખર્ચ કોણ ભોગવશે?
રાજ્યમાં હાલ મહાનગરો સહીત નાના શહેરોમાં પણ વિવિધ કો-ઓપરેટીવ સોસાયટી અને ફ્લેટમાં પહેલેથી જ સુરક્ષાને ધ્યાને રાખીને સ્વ-ખર્ચે CCTV કેમેરા લગાવાયા છે. ત્યારે હવે રાજ્યમાં CCTV કેમેરા પોલીસી અમલી બનતા આ CCTV લગાવવાનો ખર્ચ કોના માથે આવશે એ એક પ્રશ્ન છે. સામાન્ય રીતે સોસાયટીઓના સભ્યોએ જ ભાગીદારી દ્વારા આ ખર્ચ વહન કરવો પડશે. જો એ સરકારે આ અંગે હજી કોઈ જાહેરાત કરી નથી. બની શકે કે સરકાર આમાં કોઈ રાહત આપી શકે.
ગુજરાત હાઇકોર્ટે કરી હતી ટકોર
કોર્ટે હેબિયસ કોર્પસની અરજી પર પોલીસ સ્ટેશનોમાં CCTV ફુટેજ સાચવી રાખવા આદેશ કર્યો છે. 6 મહિના ઓડિયો-વીડિયો સાચવી રાખવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ પોલીસ સ્ટેશનમાં CCTV ફુટેજ રાખો. તમને જણાવી દઇએ કે, અગાઉ પણ HCએ પોલીસ સ્ટેશનના CCTV ચાલુ રાખવા આદેશ કર્યો હતો.