CBIએ ઓડિશા ટ્રેન અકસ્માતની તપાસ કરી શરૂ, મૃતદેહની ઓળખ માટે હવે આ રસ્તો અપનાવાશે
રવિવારે રેલવે બોર્ડે આ દર્દનાક ટ્રેન દુર્ઘટનાની તપાસ CBIને કરવાની ભલામણ કરી હતી. ત્યાર બાદ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. સીબીઆઈની 10 સભ્યોની ટીમે સોમવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને અકસ્માતની તપાસ શરૂ કરી હતી. ઘટના પછી, 3 જૂને, રેલવે પોલીસે ભારતીય દંડ સંહિતા અને રેલવે એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
ઈસ્ટ કોસ્ટ રેલ્વે ઝોનના ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિંતેશ રેએ જણાવ્યું હતું કે તેમની માહિતી અનુસાર સીબીઆઈ તપાસ શરૂ થઈ ગઈ છે, જો કે હજુ સુધી વિગતો જાણી શકાઈ નથી. સીબીઆઈની ટીમ પહેલા રેલ્વે સેફ્ટી કમિશનર શૈલેષ કુમાર પાઠકે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પાઠકે બહેનાગા બજાર રેલ્વે સ્ટેશનના કંટ્રોલ રૂમ, સિગ્નલ રૂમ અને સિગ્નલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી.
સારવાર બાદ 900 લોકોને હોસ્પિટલમાંથી અપાઈ રજા:
અકસ્માતમાં ઘાયલ થયેલા લગભગ 1100 મુસાફરોમાંથી 900 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઓડિશાની અલગ-અલગ હોસ્પિટલમાં લગભગ 200 લોકોની સારવાર ચાલી રહી છે.
મૃતદેહોને ઓળખાવા DNA ટેસ્ટ કરવા મજબુર:
આ ઘટનામાં જીવ ગુમાવનારા 278 લોકોમાંથી 177 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. જ્યારે 101 મૃતદેહોની ઓળખ થવાની બાકી છે. આ મૃતદેહોને વિવિધ શબઘરમાં રાખવામાં આવ્યા છે. ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર વિજય અમૃત કુલાંગેએ જણાવ્યું છે કે 55 મૃતદેહો પરિજનોને સોંપવામાં આવ્યા છે. BMC દ્વારા જારી કરવામાં આવેલા હેલ્પલાઈન નંબર 1929 પર અત્યાર સુધીમાં 200 થી વધુ કોલ આવ્યા છે. મૃતદેહોની ઓળખ કર્યા બાદ તેને સંબંધીઓને સોંપવામાં આવી રહી છે.
હવે મૃતકોના પરિવારજનો રેલવે કે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરી રહ્યા હોવાથી મૃતદેહોની ઓળખ કરીને પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. મૃતકોમાં કેટલીક લાશો એવી પણ છે જેને વધુ નુકસાન પહોંચ્યું છે, તેથી આ મૃતદેહોને ઓળખી શકાતા નથી જેથી અત્યારે ડીએનએ દ્વારા ઓળખીને પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો :ઓડિશા અકસ્માત : નોંધારા બનેલા બાળકોની જવાબદારી ઉઠાવશે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી