CBIએ યુનાની મેડિસિનના વહીવટી અધિકારીની લાંચ કેસમાં ધરપકડ કરી
- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યુનાની મેડિસિન (NIUM) બેંગ્લોરના વહીવટી અધિકારીની ધરપકડ
- બિલ ક્લિયર કરવા માટે 50,000 રૂપિયાની લાંચ માંગી
- આરોપીના ઘરમાંથી રૂપિયા 2 લાખની રોકડ મળી આવી
નવી દિલ્હી, 26 નવેમ્બર: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યુનાની મેડિસિન (NIUM) બેંગ્લોરના વહીવટી અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ અધિકારીની બિલ ક્લિયર કરવા માટે 50,000 રૂપિયાની લાંચ માંગવા અને સ્વીકારવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
NIUM બેંગ્લોરના વહીવટી અધિકારી નદીમ એ સિદ્દીકીએ ફરિયાદી પાસેથી બિલ ક્લીયર કરવાના બદલામાં રૂપિયા 1.10 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી એટલી રકમ આપવાની ના પાડતા રકઝકને અંતે રૂપિયા 50,000ની રકમ નક્કી કરવામાં આવી હતી. તેમ છતાં ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી સીબીઆઈનો સંપર્ક કર્યો હતો.
સીબીઆઈના અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદ મળ્યા બાદ તેમણે છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદી પાસે રૂપિયા 50,000ની લાંચની રકમ સ્વીકારતી વખતે આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો. સીબીઆઇએ NIUMના વહીવટી અધિકારી નદીમ એ સિદ્દીકી વિરૂધ્ધ લાંચ લેવાના આરોપ હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ આરોપીને બેંગ્લોરના સીબીઆઇ કેસના વિશેષ ન્યાયાધિશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. હાલમાં આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીના ઘર પર સર્ચ કરવામાં આવ્યું હતું. આ સર્ચ દરમિયાન આરોપીના ઘરમાંથી રૂપિયા 2 લાખની રોકડ મળી આવી હતી. જેને પણ રિકવર કરવામાં આવી છે.
આ પણ વાંચો, રેલવેઃ ભાવનગર ડિવિઝનના પાંચ કર્મચારીઓ સેફ્ટી એવોર્ડથી સન્માનિત