NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, નોંધાઈ પ્રથમ FIR
નવી દિલ્હી, 23 જૂન : NEET UG પેપર લીકને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. જેની તપાસ સીબીઆઈ કરી રહી છે. દરમિયાન સીબીઆઈએ આ મામલામાં કાર્યવાહી કરી છે અને પ્રથમ એફઆઈઆર નોંધી છે. સૂત્રોનું માનીએ તો સીબીઆઈએ અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સંદર્ભના આધારે સીબીઆઈએ અજાણ્યા લોકો સામે નવો કેસ નોંધ્યો છે.
શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 5 મેના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં કથિત અનિયમિતતા, છેતરપિંડી અને ગેરરીતિના કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. સમીક્ષા પછી, પરીક્ષા પ્રક્રિયાના સંચાલનમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે, વ્યાપક તપાસ માટે કેસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો.
CBI registers FIR in alleged paper leak in NEET Entrance Examination: CBI sources pic.twitter.com/W9djygcccO
— ANI (@ANI) June 23, 2024
આ રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી હતી
NEET-UG પેપર લીક કેસમાં બિહાર, ઝારખંડ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. બિહાર પોલીસના ઈકોનોમિક ક્રાઈમ યુનિટ (EOU)ની ટીમે અલગ-અલગ જગ્યાએથી 13 લોકોની ધરપકડ કરી છે. ગુજરાત પોલીસે 6 ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે. ઝારખંડના દેવઘરમાંથી પણ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
24 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી
NEET-UG પરીક્ષા 5 મેના રોજ 4,750 કેન્દ્રો પર લેવામાં આવી હતી અને તેમાં લગભગ 24 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષાનું પરિણામ 14 જૂને જાહેર થવાની ધારણા હતી, પરંતુ ઉત્તરવહીઓનું મૂલ્યાંકન અગાઉ પૂર્ણ થયું હોવાથી તે 4 જૂને નિર્ધારિત સમય પહેલાં જાહેર કરવામાં આવ્યું હતું. જો કે પરિણામ બાદથી જ પેપરને લઈને દેશભરના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.