ફૂડવિશેષહેલ્થ

સાવધાન! બહારની પાણીપુરી નોતરી શકે છે આ ગંભીર બિમારીનું જોખમ

Text To Speech

ચોમાસું પોતાની સાથે ઘણી ગંભીર બીમારીઓ પણ લાવે છે. ચોમાસામાં મોટાભાગના રોગો વરસાદના પાણી, ગંદકી, જીવજંતુઓ કે મચ્છરના કારણે થાય છે. વરસાદની ઋતુમાં ઠેર-ઠેર પાણી એકઠું થઇ જાય છે. તેનાથી ગંદકી, મચ્છર કે જીવજંતુઓ વકરે તેવી શક્યતા વધી જાય છે. આ ઋતુમાં ઇન્ફેક્શન પણ વધી જાય છે. બાળકોથી માંડીને પુખ્ત વયના લોકો અને વૃદ્ધો બધા આ રોગોની ઝપટે ચડી જાય છે. ચોમાસાના મુખ્ય રોગોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, મગજ મેલેરિયા, ટાઇફોઇડ અને કમળાનો સમાવેશ થાય છે. આ સાથે ચોમાસામાં બેદરકારીથી ખાવાથી પણ બીમારીઓ થાય છે. જેમાં ટાઇફોઇડ ખૂબ જોખમી છે.

હાલ તેલંગાનામાં ટાઈફોઈડે હાહાકાર મચાવ્યો છે અને આરોગ્ય વિભાગે આ માટે પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ પાણી પુરીને જવાબદાર ગણાવી છે. તેલંગાણામાં મે મહિનામાં ટાઇફોઇડના 2700 કેસ નોંધાયા હતા. જૂનમાં 2,752 કેસ હતા.જાહેર આરોગ્ય નિયામક ડોકટરે ટાઈફોડને ‘પાણીપુરી રોગ’ ગણાવ્યો છે. આવી સ્થિતિમાં સરકાર લોકોને ચોમાસા દરમિયાન સ્ટ્રીટ ફૂડ ખાસ કરીને પાણી પુરીથી દૂર રહેવાની સલાહ આપી રહી છે. ડોકટરોએ એમ પણ કહ્યું કે પાણીપુરી વેચતા દુકાનદારોએ સ્વચ્છતા સુનિશ્ચિત કરવી જોઈએ અને માત્ર સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. મેલેરિયા, ઝાડા અને વાયરલ તાવ જેવા મોસમી રોગોના મુખ્ય કારણો પ્રદૂષિત પાણી, ખોરાક અને મચ્છરો છે. તેલંગાણામાં ડાયેરિયાના 6000થી વધુ કેસ નોંધાયા છે અને ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

ટાઇફોડના લક્ષણો : ટાઇફોડ તાવ એ દૂષિત ખોરાક અથવા પાણીમાંથી સાલ્મોનેલા ટાઈફી બેક્ટેરિયાના કારણે થતો બેક્ટેરિયલ ચેપ છે. પ્રારંભિક તબક્કામાં ટાઇફોડના લક્ષણોમાં લાંબા સમય સુધી તાવ, પેટમાં તીવ્ર દુ:ખાવો, માથાનો દુ:ખાવો, ઝાડા અથવા કબજિયાત અને ભૂખ ન લાગવી વગેરેનો સમાવેશ થાય છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેના લક્ષણો વધી શકે છે અને તમારે લોહીની ઉલટી, આંતરિક રક્તસ્રાવ અને ત્વચા પીળી પડવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

ચોમાસામાં થતા રોગો : ભારતમાં હમણાં જ ચોમાસું શરૂ થયું છે. આ ગંદકીના સામ્રાજ્યમાં ગંદા પાણી અને ખોરાકને કારણે ટાઇફોડ અને કમળો જેવા બેક્ટેરિયલ ચેપનું જોખમ રહે છે. આ સિઝનમાં મચ્છરોથી સંબંધિત રોગો પણ ફેલાય છે જેના કારણે તમને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ પણ થઈ શકે છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
અંગત સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો : આ સિઝનમાં તમારે તમારી સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આવી સ્થિતિમાં, ખોરાક ખાતા પહેલા અને વોશરૂમનો ઉપયોગ કર્યા પછી હાથને સારી રીતે ધોઈ લો. આ ઉપરાંત ધ્યાનમાં રાખો કે બહારથી આવ્યા પછી તમારા હાથને સારી રીતે ધોવો છો. ખાંસી અને છીંકતી વખતે મોં ઢાંકો અને આંખો અને નાકને સ્પર્શ કરવાનું ટાળો.

ચોખ્ખું પાણી જ પીવો : પીવા માટે માત્ર ચોખ્ખા-સ્વચ્છ પાણીનો જ ઉપયોગ કરો. પીતા પહેલા પાણીને સારી રીતે ઉકાળો. ખુલ્લું પાણી ક્યારેય ન પીવો, ફક્ત પેક્ડ બોટલમાંથી જ પાણી પીવાનો પ્રયાસ કરો. ગંદુ પાણી પીવાથી આ સિઝનમાં તમને તરત જ ઝાડા થઈ શકે છે.

સ્ટ્રીટ ફૂડ ટાળો : ચોમાસામાં મોટાભાગના લોકો પાણીપુરી, સમોસા જેવા સ્ટ્રીટ ફૂડ ખાવાનું પસંદ કરે છે પરંતુ આ સમય દરમિયાન બહારનું સ્ટ્રીટ ફૂડ ન ખાવાનો પ્રયાસ કરો. જો તમે ઈચ્છો તો તેને ઘરે બનાવીને ખાઈ શકો છો. ઘરે પણ ભોજન બનાવતા પહેલા તમારા હાથને સારી રીતે ધોઈ લો.

મચ્છરોથી દૂર રહેવા આટલું કરો : જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં મચ્છર ન આવે તો તેના માટે બધા દરવાજા અને બારીઓ બંધ રાખો. તમે રાત્રે સૂતા પહેલા મચ્છર ભગાડનાર ક્રીમ લગાવી શકો છો. તમારા પગ અને હાથને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા કપડાં પહેરવાનો પ્રયાસ કરો. ખાતરી કરો કે તમારા ઘરમાં ક્યાંય પાણી ન જામે એટલેકે ખાબોચિયા કે અન્ય સ્થળે પાણીનો સંગ્રહ ટાળો.

Back to top button