બિપરજોય સામે સાવચેતી: અમરેલી જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં 14-15 જુને રજા જાહેર
- જિલ્લા કલેક્ટરે અમરેલી જિલ્લાની જનતાને આપ્યો ખાસ સંદેશો: જિલ્લાના નાગરિકોએ ગભરાવવું નહીં, અફવાથી ગેરમાર્ગે દોરવાવું નહીં.
- વિક્ટર અને જાફરાબાદ બંદર પર તા.૧૩ જુન બપોરની સ્થિતિએ ૦૩ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું.
અમરેલી જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનતંત્રની તમામ તૈયારીઓ સાથે સજ્જ:
અમરેલી: સંભવિત બિપરજોય વાવાઝોડાની પૂર્વ તૈયારીના ભાગરુપે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાબદું કરી દેવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અજય દહિયાના નેતૃત્વમાં વિવિધ વિભાગોને અગમચેતીના ભાગરુપે કામગીરી સોંપી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા અમરેલીના નાગરિકો જોગ ખાસ સંદેશો પાઠવવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યુ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા.૧૪ અને તા.૧૫ જુન દરમિયાન સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરના લીધે જિલ્લામાં આશરે ૫૦-૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સ્થિતિને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરુપે વિવિધ પગલાંઓ ભરવામાં આવ્યા છે.
જિલ્લાના વિક્ટર અને જાફરાબાદ બંદર પર તા.૧૩ જુન બપોરની સ્થિતિએ ૦૩ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે એક પણ નવું ટોકન આપવામાં આવ્યું નથી. જાનહાનિ અને માલને નુકશાન ન થાય તે માટે કાંઠા વિસ્તારમાં ઉચિત પગલાં ભરવામાં આવ્યા છે.
રાજુલા-જાફરબાદ તાલુકાઓના ૨૯ ગામોમાં જરુરિયાત મુજબ સલામત સ્થળે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પંચાયત, મહેસુલ અને પોલીસ વિભાગ દ્વારા સર્વે કરી અને કાચા અને ભયજનક મકાનોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી અને તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ બંને તાલુકાની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને સુચારું આયોજન માટે અધિક કલેક્ટર શ્રી પટણીને જવાબદારી સોંપવામાં આવી છે.
અમરેલી જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં બે દિવસ રજા જાહેર કરવામાં આવી છે.જિલ્લા કલેક્ટરએ ઉમેર્યુ કે, જિલ્લામાં સલામતીના ભાગરુપે જિલ્લાની તમામ પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં આગામી તા.૧૪ અને તા.૧૫ જુનની રજા જાહેર કરવામાં આવી છે. વધુમાં આગામી સ્થિતિને ધ્યાને લઈને નિર્ણય કરવાનું આયોજન છે. જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. રોડ-રસ્તા પૂર્વરત કરવા તૈયારીઓ સાથે વન વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગ તૈનાત છે.
જિલ્લામાં માર્ગ-મકાન રાજ્ય અને પંચાયત હસ્તકના તમામ હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા છે. આ સાથે જ વન વિભાગ, પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત સંક્લનથી જિલ્લામાં ક્યાંય પણ રોડ રસ્તા ઝાડ પડી જવાથી બંધ થાય તો તેને તુંરત જ પૂર્વરત કરવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જરુરી સાધનસામગ્રીની સમીક્ષા કરી અને તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વીજ-અન્ન પુરવઠો અને સ્વાસ્થ્ય અંગેની તકેદારી રાખવામાં આવી છે. જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાય તો તેને પૂર્વરત કરવા માટે આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. જરુરી સલામત સ્થાનો પર અન્ન અને પાણી પુરવઠો પણ પહોંચી રહે તેની વ્યવ્સ્થા ગોઠવવામાં આવી છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સગર્ભા બહેનોને સલામત સ્થળે ખસેડવા અને દવાઓનો જરુરી જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. વન્ય પ્રાણીઓ અને નેસના રહેવાસીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લામાં વનવિભાગ દ્વારા નેસમાં રહેતા માલધારીઓના સ્થળાંતર માટે વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. આ સાથે આંબરડી સફારી પાર્ક અને જસાધાર એનિમલ કેર હોસ્પિટલ ખાતે સ્ટાફ સાથે જરુરી વ્યવસ્થા કરવામાં આવી છે. શિયાળબેટ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: Cyclone Biperjoy: જાણો બિપરજોય વાવાઝોડાને લગતા અત્યાર સુધીના 10 મોટા સમાચાર
જિલ્લા કલેક્ટરે ઉમેર્યુ કે, અમરેલી જિલ્લાના ટાપુ શિયાળબેટના રહેવાસીઓ માટે સ્થાનિક સંપ મારફતે પીવાનું પાણી મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા છે. બોટની ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. બેટ પર મોબાઈલ ટાવર માટે જનરેટર સેટની સુવિધા ઉપલબ્ધ છે.
આ ઉપરાંત સંપર્ક માટે વૉકીટોકી સેટની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તંત્ર દ્વારા આરોગ્ય સંબંધી સુવિધાઓની ખાતરી પણ કરવામાં આવી છે. નાગરિકોએ ગભરાવવાની જરુર નથી.
જિલ્લાના નાગરિકોને સંદેશો આપતા કલેક્ટર જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં નાગરિકોએ ગભરાવવાની જરુર નથી. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું. વૃક્ષની નીચે ન રહેવું, વીજળી પડવાની સંભાવનાઓને ધ્યાને લેતા ઘરની ભીની દીવાલો પાસે ન રહેવું કે ખુલ્લામાં કે ખેતરમાં જવાનું ટાળવું.
આ પણ વાંચો: હવામાન વિભાગની નવી આગાહી : બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાત’માં ફેરવાયું