સાવધાનઃ નકલી NCC કેમ્પના નામે અહીં 14 છોકરીઓ સાથે થઈ ગયો મોટો કાંડ
-
ધરપકડ કરાયેલા બદમાશોમાં પ્રિન્સિપાલ, બે શિક્ષકો અને એક પત્રકારનો સમાવેશ
ચેન્નઈ, 19 ઓગસ્ટ, 2024: ગુજરાત સહિત દેશભરના વાલીઓ માટે સાવધાન થઈ જવા જેવો કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં એક સ્કૂલ દ્વારા નકલી એનસીસી કેમ્પ (NCC Camp)નું આયોજન કરીને કિશોર વયની વિદ્યાર્થિનીઓ સાથે સામૂહિક દુષ્કર્મનું ખતરનાક ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
મળતા અહેવાલ મુજબ, તમિલનાડુના કૃષ્ણાગિરીમાં એનસીપી કેમ્પમાં સામેલ થવા આવેલી કેટલીક છોકરીઓ સાથે કંઈક એવું થયું, જેના કારણે તેઓ ખૂબ ડરી ગઈ. આ NCC કેમ્પ જ નકલી નીકળ્યો, જ્યાં એક છોકરીની જાતીય સતામણી અને અન્ય 13 છોકરીઓની છેડતીનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ નકલી કેમ્પના આયોજક અને શાળાના આચાર્ય સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા લોકોમાં બે શિક્ષકો અને એક પત્રકાર પણ સામેલ છે. પોલીસે જણાવ્યું હતું કે ખાનગી શાળામાં નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) એકમ નથી અને આયોજકોએ મેનેજમેન્ટને કહ્યું હતું કે આવી શિબિરનું આયોજન કરવાથી તેમની સ્કૂલને NCC માટે લાયક બનવામાં મદદ કરશે.
પોલીસે જણાવ્યું હતું કે શાળાને શિબિર માટે પસંદ કરાયેલા જૂથના લોકો કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં આયોજિત ત્રણ દિવસીય શિબિરમાં 17 છોકરીઓ સહિત કુલ 41 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પોલીસે એમ પણ કહ્યું હતું કે છોકરીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને એક ઓડિટોરિયમમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને રાખવામાં આવ્યા હતા અને તેમનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે શિબિરનું નિરીક્ષણ કરવા માટે કોઈ શિક્ષિકા નહોતા.
કિશોરીઓની મેડિકલ તપાસ કરવામાં આવી છે. તે ઉપરાંત જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ પણ કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પી થંગાદુરાઈએ જણાવ્યું હતું કે, “શાળાના સત્તાવાળાઓ જાતીય સતામણી થઈ રહી હોવાની વાતથી વાકેફ હતા પરંતુ તેમણે પોલીસને જાણ કરવાને બદલે આ મામલો છૂપાવવાનો નિર્ણય કર્યો. વિદ્યાર્થિનીઓને પણ પ્રિન્સિપાલ, શિક્ષકો વગેરે દ્વારા આ ઘટનાને ગંભીરતાથી ન લેવાની સૂચના આપવામાં આવી હતી.”
આ ઘટનાને પગલે સતર્ક બની ગયેલી પોલીસ એ તપાસ કરી રહી છે કે આ પાછળ કોઈ રેકેટ છે કે કેમ જે આવા નકલી કેમ્પ ચલાવતા હોય અને અન્ય શાળાઓમાં પણ આવા કેમ્પ યોજાયા છે કે કેમ? આ ઘટનામાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સાબરમતી એક્સપ્રેસ અકસ્માતઃ ગંભીર કાવતરાના પુરાવા મળ્યા, જૂઓ ફોટા