રાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ TPO સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને સોનુ મળ્યુ
રાજકોટ, 2 જુલાઈ 2024, મહાનગર પાલિકાના તત્કાલીન ટીપીઓ અને TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે સીલ ખોલી સર્ચ કરવામાં આવતા 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળી આવ્યું છે. ACBમાં સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ છે. જેમાં તેણે કાયદેસરની આવકના પ્રમાણમાં 10 કરોડથી વધુની સંપત્તિ વસાવી હોવાનું જણાઇ આવેલ છે.તેની આવકના પ્રમાણમાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકતો છે.
અનેક દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી
ગઈકાલ રાતથી ACB ટીમ દ્વારા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વીન સ્ટાર ઓફિસમાં સીલ ખોલી સર્ચ કરવામાં આવતા 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળી આવ્યું છે. ACB દ્વારા ઓફિસ ખાતેથી 3 જેટલાં બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, સોનાના દાગીના, પ્રિન્ટર સહિત અનેક દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઓફિસના દસ્તાવેજમાં દર્શાવેલી વિગતો મુજબ ટ્વીન સ્ટાર ટાવરમાં 901 નંબરની ઓફિસના દસ્તાવેજ 4 ડિસેમ્બર 2020ના થયા હતા. જેમાં ખરીદનાર તરીકે ટીપીઓ મનસુખ સાગઠિયાના ભાઈ દિલીપ સાગઠિયા હતા. ઓફિસનો દસ્તાવેજ દિલીપ સાગઠિયાના નામે થયો હતો.
આવકના પ્રમાણમાં 410.37%થી વધુ અપ્રમાણસર મિલકતો
સાગઠિયાએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીત રસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણાં મેળવી, તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થયેલ હતું. કાયદેસરની આવક રૂ.2,57,17,359ના પ્રમાણમાં પોતાના તથા પોતાનાં પરિવારજનોનાં નામે કુલ રોકાણ અને ખર્ચ 13 કરોડથી વધુ કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે. એટલે કે આવકના પ્રમાણમાં રૂ.10,55,37,355ની વધુ સંપત્તિ વસાવેલાનું જણાઇ આવેલ છે જે તેઓની આવકના પ્રમાણમાં 410.37%થી વધુ અપ્રમાણસર મિલકતો છે.
આ પણ વાંચોઃરાજકોટમાં પાથરણાંવાળાઓને લેન્ડ ગ્રેબિંગની નોટીસઃ MLA મેવાણીએ ધરણાની ચીમકી ઉચ્ચારી