અમદાવાદગુજરાત

અમદાવાદીઓ સાચવજો! શહેરમાં ટાઈફોઈડ, કોલેરા અને ડેન્ગ્યૂના કેસ વધી રહ્યાં છે

Text To Speech

અમદાવાદ, 03 જૂન 2024, શહેરમાં ઉનાળાની ગરમીમાં રોગચાળો વકર્યો છે. શહેરમાં પ્રદૂષિત પાણી અને અખાદ્ય આહારને કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યાં છે.શહેરમાં સોલા અને અસારવા સિવિલમાં પાણી અને મચ્છરજન્ય રોગોના અનેક કેસ સામે આવી રહ્યાં છે. પૂર્વ વિસ્તારમાં રોગચાળાના કેસ નોંધાયા છે. શહેરમાં રોજના 65થી વધુ ઝાડા-ઊલટીના કેસો નોંધાઈ રહ્યા છે.શહેરમાં મે મહિનામાં 144 પાણીના સેમ્પલો ફેલ આવ્યા છે. જેથી ઝાડા-ઊલટી, કમળા, કોલેરા અને ટાઈફોઈડના કેસો વધ્યા છે.

ચાલુ મે મહિનામાં ઝાડા-ઉલટીના 1935 કેસ નોંધાયા
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે, ચાલુ મે મહિનામાં ઝાડા-ઉલટીના 1935, કમળાના 198, ટાઈફોઈડના 565 અને કોલેરાના 32 કેસ નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના 49 અને ડેન્ગ્યુના 64 કેસ નોંધાયા છે. મે મહિના 5153 પાણીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે પૈકી 144 પાણીના સેમ્પલ અનફીટ આવ્યા છે. જ્યાં પાણી આવતું હોય ત્યાં એન્જિનિયરિંગ વિભાગને જાણ કરીને લાઈનો બદલવા માટે સૂચના આપવામાં આવી છે. કલોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ બહેરામપુરા, દાણીલીમડા, વટવા, લાંભા, રખિયાલ, ગોમતીપુર વિસ્તારમાં રોગચાળો વધુ ફેલાયો છે.

પાણીપુરી, આઈસગોલા અને શરબતના સેમ્પલ લેવાયા
પ્રદૂષિત પાણીના કારણે રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના સ્લમ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારના બહેરામપુરા, દાણીલીમડા, લાંભામાં પાણીની લાઈનો અને ગટરની લાઈનોમાં તકલીફના કારણે હવે રોગચાળો પણ વકર્યો છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં જ્યાં જૂની પાણીની પાઈપલાઈનમાં બદલાવની જરૂર પડે ત્યાં લાઈન બદલવાની કામગીરી કરવામાં આવશે. પાણીપુરી, આઈસગોલા અને શરબતના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં જાહેર આરોગ્યને હાનિ પહોંચાડતા બિલ્ડરને રૂ.10 લાખનો દંડ

Back to top button