આસામમાં રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલા કેસની હવે CID કરશે તપાસ
નવી દિલ્હી, 25 જાન્યુઆરી: રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલ કેસ હવે CIDને સોંપવામાં આવ્યો છે. તાજેતરમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને તેમના કેટલાક સહયોગીઓ પર પોલીસકર્મીઓ સાથે ઘર્ષણનો આરોપ લાગ્યો હતો. બાદમાં આ મામલે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. આસામ પોલીસ વડા જી.પી. સિંહે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે કેસ “SIT દ્વારા સંપૂર્ણ તપાસ” માટે CIDને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ પર ભારતીય દંડ સંહિતાની નવ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં રમખાણો, ગેરકાનૂની સભા અને ગુનાહિત ષડયંત્ર સંબંધિત કલમો સામેલ છે.
કોંગ્રેસે આસામ સરકારના પગલાંની ટીકા કરી
કોંગ્રેસે પણ આસામ સરકારના આ પગલા પર પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોઈપણ તથ્યના આધાર વગર “રાજકીય એફઆઈઆર” નોંધવામાં આવી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પણ કહ્યું કે યોગ્ય સમયે આ અંગે કાયદાકીય પગલાં લેવામાં આવશે.
નોંધનીય છે કે આસામ પોલીસે મંગળવારે સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય પક્ષના નેતાઓ સામે હિંસામાં સંડોવણી બદલ FIR નોંધી હતી. આસામના ઉત્તર સલમારામાં પત્રકારો સાથે વાત કરતા જયરામ રમેશે કટાક્ષ કર્યો હતો. આસામના મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ શર્માને તેમની ક્રિયાઓ દ્વારા ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને પ્રોત્સાહન આપવા બદલ આભાર. જયરામ રમેશે કહ્યું હતું કે આ રાજકીય એફઆઈઆર છે અને તથ્યો પર આધારિત નથી. પુરાવા અને વીડિયો બધા સામે છે. અમે ગભરાઈશું નહીં કારણ કે આસામના મુખ્યમંત્રી તરફથી આ વધુ એક ખતરો છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ બળાત્કાર પીડિતાની ઓળખ છતી કરતી પોસ્ટ ડિલીટ કરી, બે વર્ષ પહેલા કર્યું હતું ટ્વીટ