નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શીખ ફોર જસ્ટિસના નેતા અને લિસ્ટેડ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ સામે નવો કેસ નોંધ્યો છે. NIAએ પન્નુ સામે IPCની કલમ 120B, 153A અને 506 અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967ની કલમ 10, 13, 16, 17, 18, 18B અને 20 હેઠળ કેસ નોંધ્યો છે. આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ 19 નવેમ્બરે એક વીડિયોમાં એર ઈન્ડિયા એરલાઈન્સની ફ્લાઈટ બંધ કરવાની ધમકી આપી હતી. મુસાફરોને મુસાફરી ન કરવા પણ કહેવામાં આવ્યું હતું.
શીખ સમુદાયના લોકોને ટ્રાવેલ ન કરવા કરી હતી અપીલ
આ પછી દિલ્હી અને પંજાબના એરપોર્ટ પર સુરક્ષા કડક કરવામાં આવી હતી. મુસાફરો અને તેમના સામાનની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. વીડિયોમાં આતંકી પન્નુએ એર ઈન્ડિયાના વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ સાથે પન્નુએ શીખ સમુદાયના લોકોને 19 નવેમ્બરે એર ઈન્ડિયાની કોઈપણ ફ્લાઈટમાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી હતી.
દિલ્હી અને પંજાબના એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે
પન્નુની ધમકી બાદ, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ પંજાબ અને દિલ્હીના એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ માટે વધારાની સુરક્ષા તપાસનો આદેશ આપ્યો હતો. સુરક્ષા કારણોસર, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને પંજાબના એરપોર્ટ પર એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ માટે 100% SLPC (સેકન્ડરી સ્ટેરવે પોઈન્ટ ચેક), ટેમ્પરરી એરપોર્ટ એન્ટ્રી પાસ (TAEP), IGI (ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ)ના ટર્મિનલ બિલ્ડીંગમાં મુલાકાતીઓની એન્ટ્રી (દિલ્હીમાં) અને મુલાકાતીઓની પ્રવેશ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સુરક્ષા પગલાં 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે.
NIAએ ખાનકોટ ગામમાં પન્નુની સંપત્તિ જપ્ત કરી
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની કાર્યવાહીથી આતંકી પન્નુ ખળભળાટ મચી ગયો છે. લગભગ બે મહિના પહેલા NIA અધિકારીઓએ પન્નુ સરહદી જિલ્લા અમૃતસરના ખાનકોટ ગામમાં 46 કનાલ ખેતીની જમીન અને ચંદીગઢના સેક્ટર 15માં રહેણાંક મકાન જપ્ત કર્યું હતું. NIAએ પંજાબના અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા અને તેના સંબંધીઓની પણ પૂછપરછ કરી હતી. NIA પહેલા જ આતંકવાદી પન્નુ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરી ચૂકી છે.