ડીસાના લુહાર યુવકને માનસિક ત્રાસ આપી 5 લાખ માંગનારા 4 સામે ગુનો નોંધાયો
પાલનપુર, 07 સપ્ટેમ્બર 2024, ડીસા ખાતે લુહાર યુવકે પોતાની પ્રેમિકાના વિરહમાં એસિડ પીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં અગાઉ લુહાર ભરત પરથીભાઈ સામે તેના જ સમાજની સગીરાને ભગાડી જવા અંગે ની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેનો કેસ પણ દિયોદરની કોર્ટમાં ચાલી રહ્યો છે. જ્યારે જે યુવતી સાથે તે ભાગી ગયો હોવાની સગીર યુવતીના પરિવારજનો એ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ભરત લુહારને જામીન મળ્યા હતા, જ્યારે યુવતી સગીર હોવાથી તેને નારી સંરક્ષણ ગૃહમાં છેલ્લા કેટલાક સમયથી મૂકવામાં આવી હતી.
કેસના સમાધાન માટે રૂપિયા પાંચ લાખની માગણી કરી
આ અંગેનો કેસ હવે દિયોદરની કોર્ટમાં ચાલવા ઉપર આવી ગયો હતો. દરમિયાન લુહાર સમાજના કેટલાક લોકો ભરતને અને તેની પ્રેમિકાને મારી નાખવાની ધમકી આપતા હોવાનો વિડીયો તેને એસિડ પીતા પહેલા બનાવ્યો હતો. જ્યારે ભરત લુહાર ની એસિડ પીધા પછી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે તેનું ડાઈંગ ડેકલરેશન અધિકારી દ્વારા લેવામાં આવ્યું હતું. જેમા લુહાર સમાજના જ ચાર લોકોએ તેને માનસિક ત્રાસ આપીને અગાઉના કેસના સમાધાન માટે રૂપિયા 5 લાખની માગણી કરી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
જેના પગલે ડીસા તાલુકા પોલીસે ભરત લુહારના ભાઈ જેસલ પરથીભાઈ લુહારની ફરિયાદમાં પોતાના ભાઈને અવાર-નવાર ધમકીઓ આપી કેસમાં સમાધાન માટે રૂપિયા પાંચ લાખ માગી એસિડ પીવા મજબૂર કરનારા તેમના જ સમાજના ખેતાભાઇ વીરાભાઇ લુહાર, સુનિલ ખેતાભાઇ લુહાર, ભરત ખેતાભાઇ લુહાર (તમામ રહેવાસી સાંડીયા,તા.ડીસા) જ્યારે ભાભર તાલુકાના રવેલ ગામના ઠાકરશીભાઈ ભાયજીભાઈ લુહાર મળીને કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃપ્રેમિકાના વિરહમાં ડીસાના યુવકે વીડિયો વાયરલ કર્યો બાદમાં એસીડ પીને જીવન ટૂંકાવ્યું