અયોધ્યામાં એક મંદિરના પૂર્વ પૂજારી સામે નોંધાયો કેસ, જાણો કેમ? શું છે મામલો


અયોધ્યા, 7 માર્ચ : રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મંદિરની જમીન ગેરકાયદેસર રીતે વેચવા બદલ અયોધ્યામાં એક મંદિરના પૂર્વ પૂજારી વિરુદ્ધ શુક્રવારે કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામ મંદિરનું સંચાલન કરે છે. એવો આરોપ છે કે મંદિરના ભૂતપૂર્વ પૂજારી રમાકાંત પાઠકે 21,198.8 ચોરસ ફૂટ જમીન, જે આનંદ ભવન મંદિરની મિલકત હતી, ટ્રસ્ટને 21 સપ્ટેમ્બર, 2024ના રોજ રૂ. 6 કરોડમાં વેચી દીધી હતી. આ જમીન રામ જન્મભૂમિ મંદિર પરિસર પાસે આવેલી છે.
ખોટી માહિતી આપી જમીન વેચી
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ જમીનનું વેચાણ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું અને વેચાણ દસ્તાવેજોમાં ખોટી માહિતી આપવામાં આવી હતી. આનંદ ભવન ટેમ્પલ કમિટીએ આરોપ લગાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિને મંદિરની જમીન વેચવાનો અધિકાર નથી. આ કમિટી સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં રજિસ્ટર્ડ બોડી છે અને તેના નિયમો મુજબ મંદિરની મિલકત વેચવી કે અન્ય કોઈને ટ્રાન્સફર કરવી ગેરકાયદેસર છે.
રમાકાંત પાઠકને 2016માં પૂજારીના પદ પરથી હટાવી દેવાયા હતા
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે રમાકાંત પાઠકને અગાઉ 2016માં મંદિર સંબંધિત શંકાસ્પદ ગતિવિધિઓને કારણે પૂજારીના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેમ છતાં, તેઓએ મંદિરની મિલકતને પોતાનો કબજો બતાવીને ગેરકાયદેસર રીતે વેચી દીધી હતી.
જ્યારે મંદિર સમિતિને આ ગેરકાયદેસર સોદાની માહિતી મળી, ત્યારે તેઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ પછી કમિટીના સભ્ય આનંદ પ્રકાશ પાઠકે કોર્ટનો સંપર્ક કર્યો, જ્યાંથી પોલીસને કેસ નોંધવાનો આદેશ મળ્યો હતો.
આ પણ વાંચો :- સગીરાના હોઠ દબાવવા અને સ્પર્શ કરવો એ પોક્સો એક્ટ હેઠળ ગુનો નથી: દિલ્હી હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી