અમુલ દ્વારા રુદણ તબેલામાં તપાસનો મામલો : 4 સામે ફરિયાદ, આ રીતે 20 પશુ સામે 1000 લિટર દૂધ ભરતા
મહેમદાવાદ પાસે આવેલ રુદણ ગામના તબેલા પર બાતમીના આધારે અમૂલ ડેરી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં 20 પશુની સામે 1000 લિટર દૂધની ટેન્કર અમુલમાં જમા કરાવતા હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે તબેલા માલિક સહિત 4 સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ તમામે ખોટી રીતે અમુલ પાસેથી BMC સેન્ટર મેળવ્યું હોવાનું સામે આવ્યું છે.
અમુલના કર્મચારીઓએ રુદણ તબેલામાં કરી હતી રેડ
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામના તબેલા પર આણંદ અમુલ ડેરીના કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રૂદન ગામના ખાત્રજ રોડ પર આવેલા તબેલામાં માત્ર 20 પશુઓ હતા. જેની સામે એક હજાર રૂપિયા લીટર દૂધ ભરાવાતું હતું. આ વાતની જાણ અમૂલને થતા મહેમદાબાદના PI સહિત પોલીસની ટીમને સાથે રાખી તપાસ કરાઈ હતી. જેમાં તબેલામાં દુધ ભરેલા ટેન્કર મળી આવ્યા હતા. અમુલના કર્મચારીઓએ આ તબેલાને સીલ મારી દૂધના નમૂના તપાસ અર્થે FSLમાં મોકલી અપાયા હતા.
તપાસ કરતા થયા મહત્વના ખુલાસા
ખેડા જિલ્લાના મહેમદાવાદ પાસે આવેલા રુદણ ગામના ખાનગી તબેલામાં પશુઓ કરતા દૂધ વધારે ભરવામાં આવી રહુયુ હોવાની બાતમી મળતા અમૂલ દ્વારા અહી રેડ પાડવામાં આવી હતી. જેમાં 20 પશુઓની સામે 1000 લિટર દૂધ ટેન્કરમાં ભરેલું મળી આવ્યું હતું. આ બાબતે તબેલા પર હાજર વ્યક્તિઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે વધારાનું દૂધ બહારના જિલ્લામાંથી એટલે કે ગાંધીનગર બાજુથી લાવવામાં આવે છે. તેમજ તબેલાના માલિકે ખોટી રીતે અમુલ પાસેથી BMC સેન્ટર મેળવી બહારના જિલ્લામાંથી દૂધ લાવી અમુલમાં ભરતા હતા.
અમુલ સાથે છેતરપિંડીના આરોપમાં 4 વ્યક્તિ સામે ફરિયાદ
આમ તબેલાના માલિકો વિરુદ્ધ અમૂલ દૂધ ઉત્પાદક સહકારી સંઘ સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરવાના ગુનામાં ચાર આરોપીઓ વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ડાકોરના રાજુ રબારી, કાળું રબારી, અમદાવાદના સન્ની રબારી અને સુઇગામના રાજા રબારી સામે ફરિયાદ નોંધાઈ છે. આ તમામે ખોટી રીતે અમૂલ પાસેથી BMC સેન્ટર મેળવ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા આ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રીપોર્ટ બાદ વધુ ખુલાસા થવાની શક્યતા પણ રહેલી છે.
આ પણ વાંચો : કુમાર વિશ્વાસને RSS પર ટિપ્પણી ભારે પડી, ગુજરાતમાં કાર્યક્રમ રદ, જાણો શુ છે મામલો