યુએસ બોર્ડર પર ચૌધરી પરિવારના 4 સદસ્યોના મૃત્યુ બદલ 3 એજન્ટો સામે કેસ દાખલ
મહેસાણા જિલ્લાના એક પરિવારના ચાર સભ્યો કેનેડાથી યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે મૃત્યુ પામ્યાના એક મહિનાથી વધુ સમય પછી, મહેસાણા પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રેશન રેકેટમાં કથિત રીતે સામેલ ત્રણ એજન્ટો સામે FIR દાખલ કરી છે. FIR મુજબ, ત્રણેય એજન્ટોએ કથિત રીતે અહીં પીડિતોના સંબંધીઓ પાસેથી 60 લાખ લીધા હતા અને ખરાબ હવામાન વચ્ચે ચાર પીડિતોને યુએસ-કેનેડા સરહદ પર સેન્ટ લોરેન્સ નદીને પાર કરવા માટે બોટમાં સવારી કરવા મજબૂર કર્યા હતા. મહેસાણાના વસઈ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર જે.એસ. રબારીએ જણાવ્યું હતું કે આખરે બોટ પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. પીડિતોમા, પ્રવિણભાઈ ચૌધરી (50), તેમની પત્ની દક્ષાબેન (45), તેમનો પુત્ર મીત (20) અને પુત્રી વિધિ (24) – મહેસાણાના વિજાપુર તાલુકાના માણેકપુરા-ડાભાલ ગામના વતની હતા અને વ્યવસાયે ખેતી કરતા હતા.
આ પણ વાંચો : બ્લેકમાં વિદેશ જતાં પહેલા ચેતી જજો ! કેનેડા -USની સરહદે છ અજાણ્યા લોકોના મૃતદેહ મળી આવ્યા
કેનેડિયન પોલીસે અગાઉ જણાવ્યું હતું કે 30 માર્ચે કેનેડાના ક્વિબેક અને યુએસના ન્યૂયોર્ક વચ્ચે સેન્ટ લોરેન્સ નદીના કિનારે ચાર વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકના સંબંધીની ફરિયાદના આધારે, અમે 30 માર્ચે યુએસ-કેનેડા બોર્ડર પર એક દંપતી અને તેમના બે બાળકોના મૃત્યુના સંબંધમાં બુધવારે ત્રણ વ્યક્તિઓ સામે FIR નોંધાવી હતી એવું પોલીસ ઉમેર્યું હતું. એફઆઈઆરમાં જણાવાયું છે કે નિકુલસિંહ વિહોલ, સચિન વિહોલ અને અર્જુનસિંહ ચાવડા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 304 (ગુનાહિત માનવહત્યા), 406 (વિશ્વાસનો ગુનાહિત ભંગ), 420 (છેતરપિંડી) અને 120બી (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નિકુલસિંહ અને સચિન મહેસાણાના વડાસણ ગામના છે, જ્યારે સચિનની બહેનના પતિ અર્જુનસિંહ મહેસાણાના દધીયાલ ગામનો રહેવાસી છે.પ્રવિણભાઈના નાના ભાઈ અશ્વિનભાઈની ફરિયાદના આધારે નોંધાયેલી FIR મુજબ, ચૌધરી પરિવાર 3 ફેબ્રુઆરીના રોજ વિઝિટર વિઝા પર કેનેડા ગયો હતો અને દાવો કર્યો હતો કે તેઓ ત્યાં વેકેશન પર જઈ રહ્યા છે. પ્રવિણભાઈ કેનેડામાં હોવાની જાણ થતાં તેમને કેટલાક સમયથી ઓળખતા નિકુલસિંહે તેમને ફોન કરીને તેમના કનેક્શન દ્વારા પરિવારને યુએસ મોકલવાની ઓફર કરી હતી. તેણે કથિત રીતે પરિવારને કોઈપણ મુશ્કેલી વિના સરહદ પાર કરવામાં મદદ કરવા માટે 60 લાખની માંગણી કરી હતી, એમ FIRમાં જણાવાયું છે. ઓફરથી સહમત થતાં પ્રવિણભાઈએ અશ્વિનભાઈને 60 લાખ રોકડાની વ્યવસ્થા કરવા અને નિકુલસિંહને આપવા કહ્યું. FIRમાં જણાવાયું છે કે ફરિયાદીએ લોન લીધી હતી અને ચુકવણી કરવા માટે તેના સંબંધીઓ અને મિત્રો પાસેથી પૈસા ઉછીના લીધા હતા.