કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતહેલ્થ

જામનગરના હૃદયરોગના નિષ્ણાત તબીબનું જ હાર્ટએટેકને લીધે અવસાન

  • ડો.ગૌરવ ગાંધીનું યુવા વયે નિધન થતા સાર્વત્રિક શોક છવાયો
  • યુવા તબીબે અનેક દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરી હતી
  • ગત સાંજે સુતા બાદ સવારે પથારીમાંથી ઉઠ્યા જ નહીં

જામનગરના નામાંકિત હૃદયરોગ નિષ્ણાત ડોક્ટરનું યુવાન વયે આજે મંગળવારે સવારે હૃદય રોગના હુમલામાં નિધન થયું હતું. આ સમાચાર વહેતા થતા જ તબીબી આલમમાં ભારે શોક છવાયો છે. આજે સાંજે તેમની અંતિમ યાત્રા નીકળશે. અનેક હૃદયરોગના દર્દીઓના હૃદયની સારવાર કરનાર ડોક્ટરને અચાનક આવેલ હૃદયરોગનો હુમલો જીવલેણ સાબિત થતાં તબીબી આલમ શોકમાં છે. આમ છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે તેમાં જામનગરના યુવા તબીબે પણ જીવ ગુમાવતા ચર્ચા જાગી છે.

વહેલી સવારે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

જામનગરના એસ.ટી.ડેપો સામે શારદા મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં સેવા આપતા હૃદયરોગ નિષ્ણાત એવા ડો.ગૌરવ દિનેશચંદ્ર ગાંધી (ઉ.વ. 41) નું આજે સવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. વહેલા પરોઢિયે તેમને થોડી બેચેની અનુભવાઈ હતી. આમ તેમણે પોતાની જ હોસ્પિટલમાં પહોંચી જરૃરી સારવાર મેળવી ઘરે પરત ફર્યા હતાં જ્યાં તેમને સવારે આશરે છએક વાગ્યે હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા બેભાન થઈ ગયા હતાં. આથી તુરંત જ તેમને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં હૃદયરોગના નિષ્ણાત તબીબો દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી હતી, પરંતુ તે કારગત નિવડી ન હતી અને એકાદ-બે કલાકની સારવાર પછી તેમનું મૃત્યુ થયું હતું.

પરિવાર પણ તબીબી સેવા સાથે સંકળાયેલો છે

ડો.ગૌરવ ગાંધીએ અગણિત દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીની સારવાર કરી છે. આમ અનેક દર્દીઓના હૃદયને ધબકતું રાખનાર તબીબનું હૃદય બંધ પડી જતાં તબીબી આલમ, સગા-સંબંધી, મિત્ર વર્તુળ શોકમાં ડૂબ્યા છે. ડો. ગૌરવ ગાંધી પોતાના પિતા દિનેશચંદ્રભાઈ, માતા કુસુમબેન, પત્ની ડો. દેવાંસી (ડેન્ટીસ્ટ) તથા પુત્રી ધનવી અને પુત્ર પ્રખરને વિલાપ કરતો છોડી ગયા છે. તેમના બહેન ડો. મોના ગાંધી અને બનેવી પણ જી.જી. હોસ્પિટલમાં તબીબી સેવા આપે છે. ડો. ગાંધીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી બનાવનું સચોટ કારણ જાણવા પ્રયાસો થઈ રહ્યા છે.

શહેરને મોટી ખોટ પડી

અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી યુવાન વયે હૃદયરોગના હુમલાથી થતાં મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. જામનગરમાં પણ હજુ થોડા માસ પહેલા ડો. સંજીવ ચગનું પણ હૃદયરોગના હુમલામાં નિધન થયું હતું. આ પછી ટૂંકાગાળમાં વધુ એક તબીબનો હૃદયરોગના હુમલામાં જીવ લેવાયો છે. ત્યારે જામનગર શહેર તેમજ જિલ્લાને નામાંકિત તબીબના અવસાનને કારણે મોટી ખોટ પડી છે.

Back to top button