હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર કારે મારી પલટી, કાર ચાલકનું ઘટના સ્થળે મોત
- ઓવર સ્પીડે લીધો યુવકનો જીવ.
- સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ.
- કાર ડિવાઈડર સાથે અથડાતાં કારમાં સવાર એકનું ઘટનાસ્થળે જ મોત, અન્ય બે ઇજાગ્રસ્ત.
આપણે ઘણી વાર હાઈવે પર સફર કરતાં હોઈએ ત્યારે ઘણી જગ્યાએ એવા બોર્ડ મારેલા હોય છે કે, ‘સ્પીડની મજા મોતની સજા’. છતાં પણ હજી અનેક કાર ચાલકો સ્પીડનું ધ્યાન રાખ્યા વગર ગાડીઓ ચલાવતા હોય છે અને પછી જીવ ખોવાનો વારો આવતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે પર બની છે.
સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં કાર એક સાથે બે ત્રણ પલટી ખાઈ ગઈ:
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તાજપુર કેમ્પ ગામના વતની અજય નળિયા પોતાની કારમાં અન્ય બે સાથીદારો સાથે પુરપાટ ઝડપે હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર પસાર થઈ રહ્યા હતા. તે સમયે શામળાજીના સુનોખ પાસે ઓવર સ્પીડના કારણે કાર ચાલક અજય નાળિયાએ કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં કાર એક સાથે બે ત્રણ પલટી ખાઈ રોડની બીજી તરફના ભાગે ડિવાઈડર સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જેથી કાર ચાલક અજય નળિયાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય સાથીદારો ઉમેશ નળિયા અને બીજા એકને ઇજાઓ થઈ હતી.
ટીંટોઇ પોલીસે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો:
સમગ્ર ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા અને ટીંટોઇ પોલીસને જાણ કરી હતી. ટીંટોઇ પોલીસે આવીને મૃતક કાર ચાલક અજય નળિયાના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો અને વાલીવારસોને જાણ કરી હતી. તેમજ પોલીસ આવે એ અગાઉ મદદમાં આવેલા લોકો એ ઇજાગ્રસ્ત બંને ઈસમોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ પણ વાંચો: બેંકમાં નોકરી મેળવવા માગો છો? આ કો-ઓપરેટિવ બેન્કમાં પડી છે ભરતી, જાણો વધુ વિગત