હૈદરાબાદ ટીમથી અલગ થયા બાદ થયો ભાવુક કેપ્ટન કેન વિલિયમસન
IPL 2023 નાં મિની ઓક્શન પહેલાં બધી ટીમે તેમનાં રિટેન અને રિલીઝ કરેલાં ખેલાડીઓની યાદી બહાર પાડી દીધી છે. આ દરમ્યાન સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે કેટલાક ચોંકાવનારા નિર્ણયો લીધા છે. હૈદરાબાદની ટીમે કેપ્ટન કેન વિલિયમસનને જ રિલીઝ કર્યો છે. તેની સાથે વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરનને પણ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.કેન વિલિયમસન લાંબા સમય સુધી ટીમનો ભાગ હતો. તે વર્ષ 2015 માં સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયો હતો અને હવે આઠ વર્ષ પછી ટીમથી અલગ થઈ ગયો છે. દરમિયાન વર્ષ 2016 માં, વિલિયમસને હૈદરાબાદનો ભાગ રહીને IPL ટ્રોફી પણ જીતી હતી.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
સનરાઈઝર્સ ટીમથી અલગ થયા બાદ વિલિયમસન ભાવુક થઈ ગયો હતો અને તેણે ચાહકોને પોતાના દિલની વાત કહી હતી. તેણે હૈદરાબાદની ટીમ, સાથી ખેલાડીઓ, સ્ટાફ અને પ્રશંસકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે તમે બધાએ મારી આ યાત્રાને વધુ આનંદપ્રદ બનાવી છે. વિલિયમસને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં લખ્યું, “ફ્રેન્ચાઇઝી, સાથી ખેલાડીઓ, સ્ટાફ અને હંમેશા અદ્ભુત ઓરેન્જ આર્મીનો આઠ વર્ષની મજા માટે આભાર. આ ટીમ અને હૈદરાબાદ શહેર હંમેશા મારા માટે ખાસ રહેશે.”
Always our Kane Mama! ????#SunRisersHyderabad #OrangeArmy pic.twitter.com/UkieccM3yP
— SunRisers Hyderabad (@SunRisers) November 15, 2022
ગયા વર્ષે આઉટ ઓફ ફોર્મમાં રહ્યો વિલિયમસન
IPL 2022 વિલિયમસન માટે કંઈ ખાસ રહ્યું નથી. તે 13 મેચમાં 19.64ની એવરેજથી માત્ર 216 રન જ બનાવી શક્યો હતો. IPL 2022 માં તેના બેટમાંથી માત્ર એક અડધી સદી નીકળી હતી. તેનો સ્ટ્રાઈક રેટ પણ માત્ર 93.51 હતો. આ વર્ષે પણ તેણે પોતાની ટીમ ન્યૂઝીલેન્ડ માટે 12 T20I માં 34.72ની એવરેજથી બે અડધી સદી સાથે 382 રન બનાવ્યા છે. જોકે, આ દરમ્યાન તેનો સ્ટ્રાઈક રેટ 119.00 હતો.
વર્ષ 2018 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
વિલિયમસન અત્યાર સુધી આઈપીએલમાં માત્ર હૈદરાબાદની ટીમ માટે જ રમ્યો છે. વર્ષ 2015માં IPLમાં ડેબ્યૂ કરનાર વિલિયમસને 76 મેચમાં 36.22ની એવરેજથી 2,101 રન બનાવ્યા છે. જેમાં 18 અડધી સદી છે અને 89 તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. તેની સૌથી પ્રભાવશાળી સિઝન વર્ષ 2018માં હતી, જ્યારે તેણે 17 મેચમાં 52.50ની એવરેજથી 735 રન બનાવ્યા હતા. વિલિયમસને 84 રનના શ્રેષ્ઠ સ્કોર સાથે 8 અડધી સદી ફટકારી હતી. તે સિઝનમાં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને તેણે ઓરેન્જ કેપ પણ મેળવી હતી.