ગુજરાતટોપ ન્યૂઝ

પાટનગર આંદોલનોનું એપી સેન્ટર,એક-બે નહીં પણ 5-5 વિરોધ પ્રદર્શનના ગાંધીનગરમાં પડઘા

Text To Speech

રાજ્ય સરકાર સામે સૌથી મોટી સમસ્યા ચૂંટણી ટાણે આંદોલન બની રહ્યા છે. હજી તો તલાટી કમ મંત્રીઓની માંગ સરકારે સ્વીકારી જ છે ત્યાં તો પૂર્વ સૈનિકો, આરોગ્ય કર્મચારી, કિસાન સંઘ, પોલીસ જવાનોથી લઈ સરકારી કર્મચારીઓ પોતાની જૂની પેન્શન સ્કીમને લઈને વિરોધ માટે ગાંધીનગરમાં દરરોજ એકત્ર થઈ રહ્યા છે. આ માટે સરકારે તાત્કાલિક ધોરણે વિધાનસભા બહાર RAFની ટીમને ઉતારવામાં આવી છે.

આ ઉપરાંત વિવિધ મોર્ચે નિરાકરણ લાવવા માટે સરકારે બેઠકોનો દોર પણ શરૂ કર્યો છે. જેમાં વિવિધ મંત્રીઓ દ્વારા બનાવવામાં આવેલી બેઠકો શરૂ કરી જેતે માંગણીઓ પર નિરાકરણ લાવવા માટે કામ ચાલી રહ્યું છે. ગાંધીનગરમાં આંદોલન વધતા પ્રવેશના તમામ માર્ગો પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ સાથે જ RAFની પણ મદદ લેવામાં આવી છે. મંત્રી નિવાસસ્થાન-સચિવાલયની કિલ્લેબંધી કરવામાં આવી છે.

ભારતીય કિસાન સંઘ પણ રસ્તા પર ઉતર્યો

ભારતીય કિસાન સંઘ દ્વારા ચાલી રહેલી હડતાળમાં મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ખેડૂતોએ મંત્રી નિવાસસ્થાન અને રાજભવનના માર્ગો ઉપર ટ્રેક્ટર સાથે રેલી યોજી હતી. કિસાન સંઘ દ્વારા ચાલી રહેલા આંદોલનમાં ખેડૂતો ઘ-4થી મંત્રી નિવાસ સુધી ટ્રેક્ટર સાથે જોડાયા હતા.ખેડૂતોએ સરકાર વિરોધી નિવેદન કર્યા હતા તો બીજી તરફ પ્રતિબંધિત વિસ્તારમાં ખેડૂતો પહોચે નહી તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખેડૂતોએ સરકાર સામે રામધૂન પણ બોલાવી હતી.

નિવૃત સૈનિકો પોતાની માંગને લઇને આંદોલન

ગાંધીનગર આંદોલનથી ધણધણી ઉઠ્યુ છે. પડતર માંગો ના સ્વીકારાત પૂર્વ સૈનિકોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. સતત ચાર દિવસથી નિવૃત સૈનિકો પ્રદર્શન કરી રહ્યા છે. સચિવાલય ફરતે કેન્ડલ માર્ચ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. ગાંધીનગરમાં 144 કલમ લાગુ હોવા છતા પૂર્વ સૈનિકો ધરણા પર બેઠા હતા. વધુ એક પૂર્વ સૈનિકની તબીયત લથડતા સારવાર આપવી પડી હતી.

આરોગ્ય કર્મચારી 40 દિવસથી કરી રહ્યા છે પ્રદર્શન

ગુજરાત રાજ્ય પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ 40 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર એવા આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓના સમર્થનમાં ગુરૂવારે સચિવાલયનો ઘેરાવ કર્યો હતો. જેમાં રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય કર્મચારી મોટી સંખ્યામાં જોડાયા હતા તો બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોગ્ય કર્મચારી મહાસંઘના અગ્રણી હોદ્દેદારો મુખ્યમંત્રી સમક્ષ આવેદનપત્ર આપવા માટે લઇ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ગાંધીનગર : ત્રણ માંગણીઓ સાથે આરોગ્ય કર્મચારીઓનો ઉગ્ર દેખાવ, 20 સપ્ટે. સુધીનું સરકારને અલ્ટીમેટમ

સરકારી કર્મચારીઓની જૂની પેન્શન સ્કીમ

આ બધા વચ્ચે રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે પણ આગામી દિવસોમાં ગાંધીનગરના રસ્તા પર ઉતરીને સરકાર સામે કડક વિરોધ પ્રદર્શન કરી શકે છે. હાલ રાજ્યના વિવિધ શહેરોમાં આ માંગણીઓ માટે વિરોધ પ્રદર્શન અને કલેક્ટરને આવેદન આપવામાં આવી રહ્યા છે. જેને જોતાં સરકારની તેના પર પણ નજર રહેલી છે.

એસટી કર્મચારીઓનું વિરોધ-આંદોલન

અન્ય સરકારી કર્મચારી બાદ હવે એસટી કર્મચારીઓએ પણ આંદોલનની જાહેરાત કરી છે. એસટી કર્મચારી મંડળોના એલાનને પગલે 16 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. એસટી નિગમના ડ્રાઇવર-કંડક્ટરથી માંડીને અન્ય કર્મચારી મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીને મેસેજ મોકલીને વિરોધ પ્રદર્શિત કરશે.

આ પણ વાંચો : રેલીમાં જોડાવા ડીસાના 50 ખેડુતો ટ્રેક્ટર સાથે પહોંચ્યા ગાંધીનગર

Back to top button