એસી વગર ચાલે એમ નથી અને વધી રહ્યુ છે લાઇટ બિલ? Follow This Tips
- ગરમીના દિવસોમાં એસી લાઇટબિલ વધારી દે છે.
- કેટલીક બાબતોનું ધ્યાન રાખીને લાઇટ બિલ ઘટાડી શકાશે.
- ઘરની બારી કે બારણા ખુલ્લા રાખીને એસી ચાલુ ન કરશો.
ધોમધખતી ગરમીની સીઝન શરૂ થઇ ચુકી છે. આખો દિવસ અને ખાસ તો રાતે સુતી વખતે એસી વગર રહેવું શક્ય નથી. ઘરમાં પંખા, કુલર અને એસી જોરશોરથી શરૂ કરી દેવા પડે છે. ગરમીથી બચવા માટે આપણે આ આધુનિક ઇલેક્ટ્રીક ઉપકરણોનો ઉપયોગ તો વધારી દીધો છે, પરંતુ તેના કારણે વીજળીનું બિલ વધી જાય છે. જોકે બીજો કોઇ રસ્તો પણ નથી કેમકે તેના વગર ચાલે એમ નથી. લોકો ગરમીથી છુટકારો મેળવવા માટે પોતાના બજેટ કરતા વધુ ખર્ચ કરવા તૈયાર રહે છે. જો તમે એસી ચલાવવાની સાથે પૈસા પણ બચાવવાનું વિચારતા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો.
ઘર બંધ કરીને એસી ઓન કરો
એસી ચાલુ કરવાના હો તેની થોડીક વાર પહેલા ઘરના બારી બારણા બંધ કરી લો. આમ ન થાય ત્યારે રૂમને ઠંડુ થવામાં ખુબ સમય લાગે છે અને ઇલેક્ટ્રિસીટી બિલ પણ વધુ આવે છે.
આટલા ટેમ્પરેચર પર ચલાવો એસી
એસીનું ટેમ્પરેચર વારંવાર વધારવા ઘટાડવાથી વીજળી બિલ વધુ આવે છે. આવા સંજોગોમાં હંમેશા એસીને 23થી 26 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરીને રાખવું જોઇએ. આમ તો 24 સૌથી સારુ ટેમ્પરેચર માનવામાં આવે છે. આમ કરવાથી તમારુ વીજળી બિલ 15થી 25 ટકા ઘટી જાય છે.
ટાઇમર સેટ કરો
એસી માટે ટાઇમર સેટ કરવું તમારું વીજળી બિલ ઘટાડી શકે છે. તમે આખી રાત એસી ચાલુ રાખવાની કે રહી જવાની અથવા તો એસી બંધ કરવા માટે તમારી ઉંઘ ઉડી જવાની ઝંઝટમાંથી બચી શકશો. રાતે તમે એસીમાં એકાદ-બે કલાકનું ટાઇમર સેટ કરીને છોડી દો. આરામદાયક ઉંઘ માટે આટલા સમયનું એસી પુરતુ છે.
એર ફિલ્ટરને ધોતા રહો
એર ફિલ્ટર તમારા એસીને ધુળથી દુર રાખે છે, જેથી તે સરળતાથી ચાલી શકે. તે ધુળને અંદર પ્રવેશતા રોકે છે અને એસીની અંદર હવાને ઠંડી કરવામાં મદદ કરે છે. એસીના સતત ઉપયોગથી ફિલ્ટર ધુળથી ભરાઇ જાય છે અને તેણે એસીને હવાને અંદર ખેંચવામાં ખૂબ જોર લગાવવું પડે છે અને વીજળી બિલ પણ વધી જાય છે, તેથી એર ફિલ્ટરની નિયમિત સફાઇ પણ કરવી જોઇએ.
એસી સાથે ચલાવો ફેન
જો તમે ઘરને જલ્દી ઠંડુ કરવા ઇચ્છતા હો તો એસી સાથે ફેન પણ ઓન રાખો. તે એસીની ઠંડી હવાને ઝડપથી ફેલાવાનું કામ કરે છે. જેના કારણે થોડી મિનિટોમાં આખો રૂમ ઠંડકથી ભરાઇ જશે. આમ કરવાથી તમારે એસી આખો દિવસ ચલાવવાની જરૂર પણ નહીં પડે.
આ પણ વાંચોઃ મુકેશ અંબાણી માત્ર પૈસાથી જ નહીં પરંતું દિલથી પણ છે અમીર, વર્ષો જૂના કર્મચારીને આપી આ કિમતી ભેટ