સવારે વહેલા ઊઠી નથી શકતા? ફોલો કરો આ ત્રણ ટિપ્સ, એલાર્મ વગર પણ ઊઠી જશો
- કેટલાક લોકો સવારે વહેલા ઉઠવા માટે એલાર્મ પણ લગાવે છે, પરંતુ એલાર્મ પણ ઊંઘ ઊડાડી શકતું નથી. સવારે મોડે સુધી સૂતા રહેવાથી સવારમાં કરવાના ઘણા મહત્ત્વના કામમાં લેટ થાય છે
કેટલાક લોકોને સવારે વહેલા ઉઠવાનું નામ સાંભળીને જ કંઈક થઈ જાય છે. ક્યારેક તો એવું લાગે કે અમુક લોકો માટે સવારે વહેલા ઊઠવું એ એક મોટી ચેલેન્જ છે. કેટલાક લોકો સવારે વહેલા ઉઠવા માટે એલાર્મ પણ લગાવે છે, પરંતુ એલાર્મ પણ ઊંઘ ઊડાડી શકતું નથી. સવારે મોડે સુધી સૂતા રહેવાથી સવારમાં કરવાના ઘણા મહત્ત્વના કામમાં લેટ થાય છે અને મોડા ઊઠવું એ આરોગ્યની રીતે પણ લાભકારક નથી.
જો તમે સવારે વહેલા ઉઠવાના ઘણી વખત પ્રયાસ કરી ચૂક્યા હોવ, પરંતુ અત્યાર સુધી નિષ્ફળ રહ્યા હો, તો કેટલીક સરળ ટિપ્સ તમને આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ સવારે વહેલા જાગવાની ટિપ્સ.
સવારે વહેલા ઉઠવા અપનાવો આ ટિપ્સ
ઊંઘની સાઇકલ સુધારો
જો તમે સવારે વહેલા ઉઠવાની આદત કેળવવા માંગતા હોવ તો તમારી સ્લીપ સાઈકલમાં સુધારો કરવો જરૂરી છે. મોડી રાત્રે સૂવાની આદત છોડી દો અને સૂવાના એક કલાક પહેલા બેડમાં ગોઠવાઈ જાવ, જેથી ધીમે-ધીમે તમારી ઊંઘનો સમય સેટ થઈ શકે. જો તમે રાત્રે વહેલા સૂવાનું શરૂ કરો છો, તો તમે કોઈપણ એલાર્મ વિના સવારે વહેલા જાગી શકશો. હા એક શરત એ પણ છે કે પથારીમાં પડ્યા પડ્યા મોબાઈલ ન જોશો.
સવારના તડકામાં બેસો
સવારનો સૂર્યપ્રકાશ પણ બોડી સાઈકલને વ્યવસ્થિત કરવામાં ખૂબ અસરકારક છે. આ એક મજબુત રીત છે, જે તમને બોડી સાઈકલને સેટ કરવામાં મદદ કરી શકે છે. સવારનો 30 મિનિટનો સૂર્યપ્રકાશ તમારા કામને સરળ બનાવી શકે છે. રોજ સવારે જો અડધો કલાક તમારા શરીરને સૂર્યપ્રકાશમાં રહેવા દેશો તો તમે ધીમે ધીમે એલાર્મ વિના વહેલા જાગવાનું શરૂ કરી દેશો.
વીકએન્ડમાં પણ મોડા ન ઊઠો
ઘણા લોકોને એવી આદત હોય છે કે નોકરીના કારણે તેઓ કામકાજના દિવસોમાં વહેલા ઊઠે છે, પરંતુ વીકએન્ડમાં મોડા મોડા સૂવે છે અને સવારે મોડા જાગે છે. જો તમે પણ આવી આદતના શિકાર છો તો આજે જ તમારી આદત બદલી દો. તેના બદલે જો તમારે વધુ ઊંઘ લેવી હોય તો દિવસ દરમિયાન તમારી ઊંઘ પૂરી કરો. તેનાથી સવારે વહેલા ઉઠવાની આદત નહીં તૂટે.
આ પણ વાંચોઃ હાર્ટને હેલ્ધી રાખવા રોજ ખાવ બે ચમચી મધઃ 3 તકલીફો થશે દૂર