ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

નહી બદલી શકો તમારી 2000ની નોટ….!!!

Text To Speech
  • લોકોમાં નારાજગી અને રોષની લાગણી

પાલનપુર : રૂપિયા 2000 ની નોટો બેંકોમાં બદલાવવા માટે કોઈપણ ફોર્મ કે આઈડી પ્રૂફ આપવાની જરૂર નથી, તેવું નોટિફિકેશન જાહેર કરાયું હોવા છતાં બેંકો આ નિયમને જાણે ઘોળીને પી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ડીસાની સ્ટેટ બેન્ક માં ગ્રાહકો પાસે આવા ફોર્મ ભરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. જ્યારે કોઈપણ વ્યક્તિ હેલ્પર ડેસ્ક ઉપર ફોર્મ માંગે છે ત્યારે આવું કોઈ ફોર્મ અમારી પાસે નથી અને તેના માટે હેડ કેશિયરને મળી લો તેઓ જવાબ આપવામાં આવી રહ્યો છે. જેથી સામાન્ય માણસ ગોથે ચડી ગયો છે. જ્યારે રૂપિયા 2000 ની નોટ બદલાવવા માટે ખાતામાં નાણાં ભરી દેવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.ત્યારે સામાન્ય જનતાને હવે 2000ની નોટ બદલાવવામાં પરસેવો છુટી ગયો છે.

જો કે અત્યારે હજુ સુધી આવા ગ્રાહકોની સંખ્યા પ્રમાણમાં ઓછી જોવા મળી રહી છે, પરંતુ સામાન્ય વ્યક્તિ પાસે જો રૂપિયા 2000 ની નોટ આવી પણ ગઈ હોય તો આ નોટ હવે બજારમાં વટાવવા જતા તેનો કોઈ સ્વીકાર પણ કરતું નથી, આમ સામાન્ય વ્યક્તિને ₹2,000 ની નોટ બજારમાં પણ વટાવવામાં અને બેંકમાં બદલાવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્ટેટ બેંક દ્વારા રવિવારે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કોઈપણ વ્યક્તિ દેશભરની કોઈપણ બ્રાન્ચમાં આઈડી અને એડ્રેસ પ્રૂફ વિના રૂપિયા 2000ની 10 નોટ બદલાવી શકે છે. આ માટે બેંકમાં જઈને તેને સ્લીપ પણ ભરવાની જરૂર નથી. ત્યારે ડીસાની સ્ટેટ બેંકમાં આનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેને લઈને સામાન્ય વ્યક્તિઓને રૂપિયા 2000 ની નોટ બદલાવવામાં ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. જેને લઈને લોકોમાં નારાજગી અને રોષ પ્રવર્તે છે. અને એવી દહેશત પણ પ્રવર્તે છે કે શું આગામી દિવસોમાં ફરીથી લાઈનમાં તો ઉભા રહેવું નહીં પડે ને…!

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે આરબીઆઈએ 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. 2000ની નોટ પરત કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. એક વ્યક્તિ એક સમયે માત્ર 20,000 રૂપિયા બદલી શકે છે. એટલે કે 2000 રૂપિયાની 10 નોટ એક જ વારમાં બદલાશે.

આ પણ વાંચો : શું તમે તો નથી લઈ રહ્યાને આ નકલી દવાઓ ! સુરતમાં પ્રોટીન, વિટામીનની દવાના સેમ્પલ ફેલ

Back to top button