ગાંધીનગર, 05 ઓગસ્ટ 2024, ગુજરાતમાં વન વિભાગની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. બે દિવસ પહેલાં કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ (CBRT) અને નોર્મલાઈઝેશન મેથડના કારણે અન્યાય થયાની ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આજે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાને ભેગા થયા છે. ઉમેદવારો દ્વારા નોર્મલાઈઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ PDF પ્રમાણે જાહેર કરવાની માંગ કરાઈ છે.
એજન્સીને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ નથી
ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ઉમટેલા ઉમેદવારોએ કહ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, ભરતી પરીક્ષાઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે, CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય છે. છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં અનેક છબરડા સામે આવ્યા છે. પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ નથી હોતો. જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું કામ સોંપવામાં આવે છે તેમાં ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે.જેને કારણે અર્થનો અનર્થ થઈ જાય છે.
ઉમેદવારોની શું માંગણી છે?
ઉમેદવારોની માંગણી છે કે, ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્ક્સવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે. જો SSC CGL, IBPS, RRB, ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથ મેરિટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણસેવા શા માટે ન કરે?
આ પણ વાંચોઃબનાસકાંઠા : પાલનપુર બાયપાસ રોડને લઈને ૧૫ ગામના ખેડૂતોની આંદોલનની ચીમકી