અમદાવાદગુજરાત

કેન્સરની બીમારીએ પોલીસકર્મીને ગુનેગાર બનાવ્યો, ઈલાજ માટે 53.65 લાખની ઉચાપત કરી

અમદાવાદ, 06 જૂન 2024, ગુજરાતમાં પોલીસ લૂંટ અને ચોરીની ઘટનાઓમાં આરોપીઓને પકડીને જે મુદ્દામાલ કબજે કરે છે તેનો ઉપયોગ એક પોલીસકર્મીએ પોતાના અંગત કામમાં કર્યો હોવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં કેન્સરની બીમારીએ એક પોલીસ કર્મચારીને ગુનેગાર બનાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ સ્ટેશનમાં સરકારી મુદ્દામાલના રૂપિયા 53.65 લાખ અંગત કામમાં વાપરનાર પોલીસ કર્મચારીની સાબરમતી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસકર્મી જયેન્દ્રસિંહ સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવતા ASI જયેન્દ્રસિંહ પરમારે જુદા જુદા ગુનાઓના સરકારી મુદ્દામાલ એવા રોકડ નાણાં 53.65 લાખની ઉચાપત કરી છે. એક વર્ષ પહેલાં આ પોલીસ કર્મચારીની બદલી થતા નવા ક્રાઇમ રાઇટર ફરજ પર હાજર થયા હતા. તેમણે મુદ્દામાલને લઇને તપાસ કરતા વર્ષ 2016થી 2023 સુધીના જુદા જુદા કેસના રોકડ મુદ્દામાલનો હિસાબ નહીં હોવાનું સામે આવ્યું હતું. હિસાબને લઇને તપાસ કરતા પોલીસકર્મી જયેન્દ્રસિંહનો ભાંડો ફૂટ્યો હતો. જેથી પોલીસકર્મી જયેન્દ્રસિંહ સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

વર્ષ 2016થી નવેમ્બર 2023 સુધી મુદ્દામાલના પૈસા જમા નહોતા કરાવ્યા
સાબરમતી પોલીસે જયેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, પોલીસકર્મી જયેન્દ્રસિંહ કેન્સરની બીમારી અને હાર્ટની તકલીફના કારણે આર્થિક સંકળામણમાં રહેતો હતો. જેથી પોતાની બીમારીના ઈલાજ માટે તેણે પોલીસ સ્ટેશનમાં જુદા જુદા કેસના જેવા કે પ્રોહબિશન, જુગાર, ઘરફોડ ચારી જેવા ગુનાના મુદ્દામાલની નાણાકીય રોકડ ક્રાઈમ ટેબલની તિજોરીના લોકરમાંથી મેળવી લીધા હતા. વર્ષ 2016થી નવેમ્બર 2023 સુધી પોલીસકર્મી જયેન્દ્રસિંહે મુદ્દામાલના પૈસા જમા કરાવ્યા ન હતા.પોતાના અંગત વપરાશમાં ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

પોલીસકર્મી 6 મહિનાથી કેન્સરની બીમારીથી સિક લિવ પર હતો
આ ઉચાપતનો મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચતા જ જયેન્દ્રસિંહ પરમારને મુદ્દામાલના પૈસા જમા કરવાની સૂચના આપી હતી. આ દરમિયાન મુદ્દામાલના પૈસા જમા નહીં થતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.ઉચાપત કરનાર પોલીસકર્મી ASI જયેન્દ્રસિંહ વર્ષ 1990થી પોલીસ ખાતમાં ફરજ બજાવે છે. વર્ષ 2016માં સાબરમતી પોલીસ સ્ટેશન ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવતો હતો. નવેમ્બર 2023માં તેની બદલી સાબરમતી પોલીસ સ્ટેશનથી વિશેષ શાખામાં કરાઈ હતી. આ સમયે છેલ્લા 6 મહિનાથી કેન્સરની બીમારીથી સિક લિવ પર હતો. હાલ સાબરમતી પોલીસે જયેન્દ્રસિંહની ધરપકડ કરી છે તેણે ઉચાપત કરી રોકડ રકમનું શું કર્યું જેને લઇને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં 2 મહિનામાં 3 PI ફરાર, પોલીસ અધીકારીઓને પકડવામાં ખુદ પોલીસના હાથ ટૂંકા

Back to top button