ગુજરાતટ્રેન્ડિંગનેશનલફૂડમીડિયાયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષવીડિયો સ્ટોરીસંવાદનો હેલ્લારોહેલ્થ

કેન્સર આનુવંશિક નહીં પણ લાઈફસ્ટાઈલને કારણે થાય છેઃ જાણો આ વિજ્ઞાનીએ શું આપી સલાહ?

એચડી ન્યૂઝ, 10 ઑક્ટોબર, 2024: કેન્સર એટલે કેન્સલ- એવું આપણે ગુજરાતીમાં કહીએ છીએ અને સાંભળીએ પણ છીએ. આ એક એવો રોગ છે જેનું નામ સાંભળીને પણ ભલભલા ફફડી ઊઠે છે. કેન્સર વિશે સામાન્ય રીતે એક એવી માન્યતા છે કે, આ રોગ આનુવંશિક છે. અર્થાત પરિવારમાં અગાઉ કોઇને કેન્સર થયું હોય તો ત્યારપછીની પેઢીમાં ગમેત્યારે ગમે તેને કેન્સર થઈ શકે. જોકે, હવે એક વિજ્ઞાનીએ દાવો કર્યો છે કે, આ રોગ આનુવંશિક નથી પરંતુ કેન્સર માટે લાઈફસ્ટાઈલ જવાબદાર છે.

કેન્સર પ્રિવેન્શન - HDNews
કેન્સર પ્રિવેન્શન

સોશિયલ મીડિયા X ઉપર મિશેલ મોરેલ નામના ફિટનેસ નિષ્ણાતે એક વિસ્તૃત પોસ્ટ મૂકીને કેન્સર વિશેની માન્યતાઓ અને તેનાથી બચવાના ઉપાયો અંગે થોમસ સીફ્રેડ નામના એક વિજ્ઞાનીને ટાંક્યા છે.

થોમસ સીફ્રેડ કહે છે કે, કેન્સરને અટકાવી શકાય છે, કેમ કે તે લાઈફસ્ટાઈલને કારણે થાય છે. તે આનુવંશિક નથી. સીફ્રેડે આ માટે સાત નિયમો આપ્યા છે જેનું પાલન કરવાથી કેન્સરથી બચી શકાય છે.

કેન્સર વિશે 30 વર્ષ કરતાં વધુ સમયથી સંશોધન કરનાર આ વિજ્ઞાનીનું કહેવું છે કે, તમારે તમારા બ્લડ સુગરનું સ્તર સ્થિરતાપૂર્વક જાળવી રાખવું જોઇએ. તે વધવા દેવું ન જોઈએ. તેઓ કહે છે કે, ગ્લુકોઝ અને ઈન્સ્યુલિન કેન્સરના કોષો માટેનો ખોરાક છે. અર્થાત કેન્સરના કોષોને વિકસવા દેવા ન હોય અને કેન્સરથી બચવું હોય તો ખાંડ, રિફાઈન્ડ કરેલા કાર્બોહાઈડ્રેટ તથા પ્રોસેસ કરેલા ફૂડ ટાળવા જોઈએ. તેમનું કહેવું છે કે, સુગરનું વધારે પડતું સેવન કરવાથી સોજા આવી શકે છે અને પરિણામે કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

કેન્સરનું જોખમ ઘટાડવા માટે સીફ્રેડ ભોજનની આદત બદલવા સૂચન કરે છે. તેમના મતે વ્યક્તિએ વધુ ફૅટ વાળો, મધ્યમ પ્રોટીન વાળો અને ન્યૂનતમ (ઓછા) કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક લેવો જોઇએ. આ પ્રમાણે ખોરાક લેવાથી શરીર પોતાને જરૂરી ઊર્જા માટે ગ્લુકોઝનો ઉપયોગ કરવાને બદલે કેટોન તત્વો તરફ વળશે. સમગ્ર વાતનો સાર આપતા તેઓ કહે છે કે, કેન્સરના કોષોનો પ્રાથમિક સ્રોત ગ્લુકોઝ છે તેથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડી દેવાથી કેન્સરના કોષોને પોષણ નહીં મળે અને એ રીતે આપોઆપ કેન્સર થવાની સંભાવના ઘટી જશે. આ માટે તેઓ ડ્રાયફ્રુટ, ઓલિવ ઓઈલ, ઓછું કાર્બોહાઈડ્રેટ ધરાવતાં શાકભાજી, નાશપતિ વગેરે ખાવાનું સૂચન કરે છે.

અહીં મજાની વાત છે કે, થોમસ સીફ્રેડ પણ ઉપવાસને પણ કેન્સરથી બચવાનું એક અગત્યનું પરિબળ ગણાવે છે. નોંધપાત્ર છે કે પ્રાચીન ભારતીય પદ્ધતિમાં ઉપવાસનું મહત્ત્વ પહેલેથી જ દર્શાવવામાં આવેલું જ છે. ઉપવાસ રાખવાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે અને કેટોનનું વધે છે.

સીફ્રેડે આ ઉપરાંત જે અન્ય ઉપાયો સૂચવ્યા છે તેમાં, નિયમિત કસરતનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત પૂરતી ઊંઘ લેવાની બાબતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચોઃ જમવામાં વાપરો છો ઓલિવ ઓઈલ? ક્યારે બને છે ખતરનાક, જાણો ઉપયોગની યોગ્ય રીત

Back to top button