ટ્રેન્ડિંગવર્લ્ડ

‘હું રોજેરોજ રાજીનામું આપવા અંગે વિચારું છું’, આખરે કેમ કેનેડિયન PM ટ્રુડોએ આવું કહ્યું

ઓટાવા (કેનેડા), 15 માર્ચ: કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો વડાપ્રધાન પદથી ખાસ્સા કંટાળી ગયા હોય તેવું લાગે છે. તેમણે ખુદ કહ્યું છે કે, આ એક ‘ક્રેઝી જોબ’ છે અને હું વારંવાર તેને છોડવાનું વિચારી રહ્યો હતો. રેડિયો કેનેડાને આપેલા ઈન્ટરવ્યૂમાં પીએમ ટ્રુડોએ કહ્યું કે, હું રોજ રાજકારણ છોડવાનું વિચારું છું. રાજીનામું આપવાનો વિચાર દરરોજ આવે છે. મહત્ત્વનું છે કે, જસ્ટિન ટ્રુડોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેનેડાની તેમની લિબરલ પાર્ટી સર્વેમાં ખરાબ રીતે પ્રદર્શન કરી રહી છે. જો કે, કેનેડામાં વડાપ્રધાન પદ માટેની ચૂંટણી ઑક્ટોબર 2025 સુધીમાં યોજાવાની છે.

હું નિર્ણાયક પડાવ પર લડાઈ છોડી શકતો નથી: ટ્રુડો

હાલમાં થયેલા સર્વે બતાવે છે કે લિબરલ પાર્ટીને કન્ઝર્વેટિવ્સના હાથે કારમી હારનો સામનો કરવો પડશે. સર્વે અનુસાર કેનેડાના મતદારો ટ્રુડોથી કંટાળી ગયા છે. ટ્રુડોએ સૌપ્રથમ નવેમ્બર 2015માં સત્તા સંભાળી હતી. તમામ સર્વેમાં થયેલી કારમી હારની ભવિષ્યવાણીની વચ્ચે ટ્રુડોએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, હું આજે જે કંઈ પણ છું, એ શખ્સ ક્યારેય બની શક્યો ન હોત. એટલા માટે આ પડાવ પર હું લડાઈ છોડી શકતો નથી. જે કામ હું કરી રહ્યો છે તે સખત ગાંડપણ ભર્યું છે. અગત બલિદાન આપવું પડે છે. જો કે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ આગામી ચૂંટણી સુધી પદ પર રહેશે. ઉલ્લેખનીય છે કે, ટ્રુડો ઓગસ્ટ 2023માં 18 વર્ષના દામ્પત્ય જીવન બાદ તેમની પત્ની સોફીથી અલગ થયા હતા. બંનેને 3 બાળકો છે.

કેનેડિયન પીએમ ટ્રુડોની લોકપ્રિયતા ઘટી

કેનેડામાં ઑક્ટોબર 2025માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આ પહેલા ત્યાં વડાપ્રધાનના ચહેરાનો સર્વે કરવામાં આવી રહ્યો છે. ટ્રુડો આ સર્વેમાં ઘણા પાછળ જોવા મળે છે. તેમની લોકપ્રિયતા પણ ઓછી થતી જાય છે. સર્વે અનુસાર તેમની લિબરલ પાર્ટી પણ કન્ઝર્વેટિવ પાર્ટીથી પાછળ છે. આ અંગે ચર્ચા કરતી વખતે તેમણે રાજકારણ છોડવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, તેમણે કહ્યું કે તેઓ આગામી ચૂંટણી સુધી રાજીનામું નહીં આપે. તેમણે એમ પણ કહ્યું કે, હું લોકપ્રિય થવા માટે રાજકારણમાં આવ્યો નથી અને મારી પાસે રાજકારણમાં આવવાનું કોઈ અંગત કારણ પણ નથી. હું માત્ર લોકોની સેવા કરવા માટે રાજકારણી બન્યો છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેનેડામાં ઈમિગ્રન્ટ્સની વધતી સંખ્યાને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે કાયમી અને અસ્થાયી બંને રીતે વસાહતીઓની વધતી જતી વસ્તીને આવકારવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો છે, કારણ કે દેશમાં આવાસની તીવ્ર તંગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં કેવી રીતે થઈ હત્યા? વીડિયો વાયરલ

Back to top button