કેનેડાના PM ટ્રુડોએ સ્વીકાર્યું કે ભારત પર આરોપ લગાવતી વખતે તેમની પાસે પુરાવા નહોતા
ઓટાવા, 17 ઓકટોબર: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મોટી કબૂલાત કરી છે. જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું છે કે, જ્યારે તેમણે ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણીનો આરોપ મૂક્યો હતો, ત્યારે તેમની પાસે માત્ર ગુપ્ત માહિતી હતી અને કોઈ ‘કડક પુરાવા’ ન હતા. ટ્રુડોએ ફેડરલ ચૂંટણી પ્રક્રિયાઓ અને લોકતાંત્રિક સંસ્થાઓમાં વિદેશી હસ્તક્ષેપ અંગે જાહેર પૂછપરછના સંબંધમાં જુબાની આપતાં આ વાત કહી હતી. ટ્રુડોએ કહ્યું કે, “મને એ હકીકત વિશે માહિતી આપવામાં આવી હતી કે, કેનેડા અને સંભવતઃ ‘ફાઇવ આઇ’ સહયોગીઓ તરફથી ગુપ્ત માહિતી મળી હતી જેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત સામેલ છે.” કેનેડાના વડા પ્રધાને કહ્યું કે, આ એવી બાબત છે જેને તેમની સરકારે ખૂબ ગંભીરતાથી લીધી છે.
STORY | Nijjar killing: Canadian PM Trudeau admits he had no hard proof when he alleged Indian agents’ involvement
READ: https://t.co/juJC9rSVvQ
(PTI File Photo) pic.twitter.com/wPAXgRbEh9
— Press Trust of India (@PTI_News) October 16, 2024
‘ફાઇવ આઇઝ’ નેટવર્ક શું છે?
‘ફાઇવ આઇઝ’ નેટવર્ક એ પાંચ દેશોનું ગુપ્તચર જોડાણ છે જેમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. ટ્રુડોએ કહ્યું કે, “ભારતે હકીકતમાં આ કર્યું, અને અમારી પાસે માનવા માટેનું કારણ છે કે તેઓએ આ કર્યું છે.”
ટ્રુડોએ પુરાવા વિશે શું કહ્યું?
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી G-20 સમિટને યાદ કરતાં ટ્રુડોએ કહ્યું કે, તે ભારત માટે એક મોટી તક હતી અને જો કેનેડાએ તે સમયે આ આરોપો સાર્વજનિક કર્યા હોત, તો તેઓએ આ સમિટમાં ભારતને ખૂબ જ અસ્વસ્થ સ્થિતિમાં મૂક્યું હોત.” તેમણે કહ્યું કે, ”અમે તેમ ન કરવાનું નક્કી કર્યું. અમે પડદા પાછળ કામ કરવાનું ચાલુ રાખવાનું નક્કી કર્યું, જેથી ભારત અમને સહકાર આપે.” ટ્રુડોએ કહ્યું કે, ભારતીય પક્ષે પુરાવા માંગ્યા “અને અમારો જવાબ હતો, તે તમારી સુરક્ષા એજન્સીઓ પાસે છે.”
‘કેનેડાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન’
ટ્રુડોએ કહ્યું, ભારતીય પક્ષે પુરાવાનો આગ્રહ રાખ્યો. તેમણે કહ્યું કે, “અને તે સમયે, તે મુખ્યત્વે ગુપ્ત માહિતી હતી, સખત પુરાવા નહીં. તેથી અમે કહ્યું, ચાલો સાથે મળીને કામ કરીએ અને તમારી સુરક્ષા સેવાઓને જોઈએ અને કદાચ આપણે આ કામ કરી શકીએ” ટ્રુડોએ કહ્યું કે, ‘અમે તપાસ શરૂ કરી. ભારતે આ આરોપો અને અમારી તપાસને લઈને અમારી સરકાર પર તેના હુમલા વધુ તીવ્ર કર્યા છે. કેનેડિયન સાર્વભૌમત્વ, લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, ડઝનેક કેનેડિયન રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યા.” તેમણે કહ્યું કે, ”આ એવી સ્થિતિ છે જેમાં અમારી પાસે સ્પષ્ટ અને ચોક્કસપણે હવે સંકેતો છે કે, ભારતે કેનેડાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે.
શું છે ભારતનું વલણ?
ભારતે કેનેડાના દાવાને ફગાવી દીધો કે, તેણે નિજ્જર કેસમાં ભારત સાથે પુરાવા શેર કર્યા છે. નવી દિલ્હીમાં, સૂત્રોએ ટ્રુડોના અગાઉના આરોપોને પણ નકારી કાઢ્યા કે, ભારત કેનેડામાં ત્યાંના નાગરિકોને લક્ષ્ય બનાવવા માટે ગુપ્ત અભિયાન ચલાવવા સહિતની પ્રવૃત્તિઓમાં સામેલ હતું. ભારતે છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા અને નિજ્જરની હત્યાની તપાસમાં રાજદૂતને જોડવાના આરોપોને નકારી કાઢ્યા પછી કેનેડામાંથી તેના હાઈ કમિશનરને પાછા બોલાવવાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે જૂનમાં બ્રિટિશ કોલંબિયાના સરેમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.