બદલે બદલે સે નજર આતે હૈ ટ્રુડો, આખીર માજરા ક્યા હૈ? કેનેડિયન પીએમનો યુ-ટર્ન?
ઓટાવા, 9 નવેમ્બર: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશમાં ખાલિસ્તાની સમર્થકોની હાજરીનો સ્વીકાર કર્યો છે. ટ્રુડોએ જો કે કહ્યું કે, આ લોકો કેનેડામાં સમગ્ર શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. તેમનું નિવેદન ભારતના સ્ટેન્ડને યોગ્ય ઠેરવે છે જેમાં ભારતે આરોપ લગાવ્યો હતો કે, કેનેડા સરકાર ખાલિસ્તાની તરફી તત્વોને આશ્રય આપી રહી છે.
ભારતે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા અને કેનેડા સાથેના તેના સંબંધોને વધુ ઠંડા કર્યા હતા. ત્યારબાદ ભારતે ઓટાવામાં ભારતીય હાઈ કમિશ્નરને પાછા બોલાવ્યા અને છ કેનેડિયન રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા.
PM મોદીના સમર્થકો વિશે કરી વાત
જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, “કેનેડામાં ખાલિસ્તાનના સમર્થકો છે, પરંતુ તેઓ શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. તેવી જ રીતે, કેનેડામાં મોદી સરકારના સમર્થકો છે, પરંતુ તેઓ તમામ હિન્દુ કેનેડિયનોનું પ્રતિનિધિત્વ કરતા નથી.” ઓટાવામાં પાર્લામેન્ટ હિલ ખાતે દિવાળીની ઉજવણી દરમિયાન ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું.
ટ્રુડોના આ નિવેદનથી ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા રાજદ્વારી તણાવણી સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે. જસ્ટિન ટ્રુડોએ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો ત્યારે તણાવ શરૂ થયો. આ ઘટના જૂન 2023માં બની હતી. બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર ગોળીબારમાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી.
ભારતે કેનેડાના આરોપને નકારી કાઢ્યો
અગાઉ સપ્ટેમ્બર 2023માં કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા હતા. કેનેડાએ નિજ્જરની હત્યાની તપાસમાં ભારતીય હાઈ કમિશ્નરને “રુચિ રાખનાર વ્યક્તિ” ગણાવ્યા. જેના જવાબમાં, ભારતે આ આરોપને સખત રીતે નકારી કાઢ્યો અને કેનેડા સાથેના તેના સંબંધોને વધુ ઠંડા કર્યા. ઓટાવામાં ભારતીય હાઈ કમિશ્નરને પાછા બોલાવ્યા અને છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા.
ભારતના વિદેશ મંત્રાલયે ઘણી વખત કહ્યું છે કે, કેનેડાની સરકારે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ નક્કર પુરાવા શેર કર્યા નથી. ભારતે આ અંગે વારંવાર માહિતી માંગી હતી. મંત્રાલયે વડાપ્રધાન ટ્રુડો પર વોટ બેંકની રાજનીતિમાં સામેલ હોવાનો પણ આરોપ મૂક્યો અને કહ્યું કે, કેનેડાની સરકારે તેની ધરતી પર ખાલિસ્તાની તત્વો વિરુદ્ધ પૂરતા પગલાં લીધાં નથી. ભારત અને કેનેડા વચ્ચે આ તણાવ વધી રહ્યો છે. ખાલિસ્તાની ગતિવિધિઓને લઈને બંને દેશોના સંબંધોમાં વધુ ગૂંચવણો આવી શકે છે.
આ પણ જૂઓ: ‘જો અલગ ધ્વજ અને બંધારણની માગણીઓ પૂરી ન થાય તો…’ આ સંગઠને સરકારને આપી ધમકી