ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમિત શાહ અંગે કેનેડિયન મંત્રીના નિવેદનથી ફરી તંગદિલી, કેનેડિયન રાજદ્વારીને સમન્સ

Text To Speech

નવી દિલ્હી, 2 નવેમ્બર, 2024: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અંગે કેનેડાના એક મંત્રીના નિવેદન સામે ભારત સરકાર સખત નારાજગી વ્યક્ત કરી છે એટલું જ નહીં પરંતુ ભારતસ્થિત કેનેડિયન રાજદ્વારીને તાબડતોબ બોલાવીને સખત વાંધો નોંધાવ્યો છે. ભારતે કેનેડાના નાયબ વિદેશ મંત્રીના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે. ભારત સરકારે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

આજે શનિવારે (2 નવેમ્બર, 2024) વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત સરકારે કેનેડિયન રાજદ્વારીને સમન્સ પાઠવ્યું છે અને ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. આ વાંધો-નોંધ કેનેડિયન રાજદ્વારીને સોંપવામાં આવી હતી અને સખત વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે કરાયેલા આક્ષેપો પાયાવિહોણા હતા અને આયોજનબદ્ધ કાવતરાના ભાગરૂપે મીડિયામાં લીક કરવામાં આવ્યા હતા. આ પહેલાં શુક્રવારે વિદેશ મંત્રાલયે કેનેડાના રાજદ્વારીને સમન્સ પાઠવ્યા હતા.

ભારતના વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “ભારત વિરુદ્ધ કાવતરું ઘડવાનું કેનેડાની રણનીતિનું આ બીજું ઉદાહરણ છે. નોંધનીય છે કે કેનેડાના વરિષ્ઠ અધિકારીઓએ ભૂતકાળમાં ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે તેઓ વૈશ્વિક સ્તરે ભારતના વિશેના અભિપ્રાયને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ આ તમામ આરોપો નક્કર પુરાવા વગર લગાવવામાં આવ્યા છે.”

ભારતના કેટલાક કોન્સ્યુલર અધિકારીઓને તાજેતરમાં કેનેડા સરકાર દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેઓ ઓડિયો અને વિડિયો સર્વેલન્સ હેઠળ છે. તેમનો સંપર્ક પણ ખોરવાઈ ગયો છે. અમે ઔપચારિક રીતે કેનેડા સરકારને આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને તેને સંબંધિત રાજદ્વારી અને કોન્સ્યુલર સમજૂતીઓનું ઘોર ઉલ્લંઘન માનીએ છીએ. અમારા રાજદ્વારીઓ અને દૂતાવાસના કર્મચારીઓ પહેલેથી જ તંગદિલીભર્યા વાતાવરણમાં કામ કરી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે કેનેડાએ ભારતને એક અલગ શ્રેણીમાં મૂક્યું છે. ભારત પર હુમલો કરવાની કેનેડાની આ અલગ રણનીતિ છે. સાથે જ વાહિયાત અને પાયાવિહોણી વાતો કરીને આરોપો લગાવવામાં આવી રહ્યા છે જે યોગ્ય નથી.

આ પણ વાંચોઃ કેનેડાનું વધુ એક ઉશ્કેરણીજનક પગલું, ભારતને ચીન – ઉત્તર કોરિયાની સાથે આ યાદીમાં મૂક્યું

Back to top button