કેનેડાની સરકારનો મોટો નિર્ણય: ઈરાનની સૌથી ખતરનાક સેનાને આતંકી સંગઠન જાહેર કર્યું
- કેનેડા આ પગલાં અંગે ઈરાન દ્વારા હજુ સુધી કોઈ સતાવાર નિવેદન ટિપ્પણી આપવામાં આવ્યું નથી
નવી દિલ્હી, 20 જૂન: કેનેડાએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ને આજે ગુરુવારે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સાથે તેના નાગરિકોને વહેલી તકે ઈરાન છોડવા વિનંતી કરવામાં આવી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, IRGC હવે કેનેડામાં આતંકવાદી જૂથોની યાદીમાં સામેલ થઈ ગયું છે. આ નિર્ણયની જાહેરાત કરતા જસ્ટિન ટ્રુડોની કેનેડા સરકારે કહ્યું કે, આ પગલું ટેરર ફંડિંગ રોકવામાં મદદ કરશે. કેનેડાની સરકારે એક નિવેદનમાં કહ્યું કે, આતંકવાદી યાદીમાં IRGCના સમાવેશથી એક મજબૂત સંદેશ ગયો છે કે કેનેડા IRGCની તમામ આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે. જો કે કેનેડાના પગલા અંગે ઈરાન દ્વારા હજુ સુધી કોઈ સતાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
The IRGC is now listed as a terrorist group in Canada.
— Justin Trudeau (@JustinTrudeau) June 19, 2024
ઉલ્લેખનીય છે કે, વર્ષોથી કેનેડાની વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીએ વડાપ્રધાન ટ્રુડોને IRGCને બ્લેકલિસ્ટ કરવા માટે વિનંતી કરી રહી છે. કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લેન્કે બુધવારે કહ્યું કે, આ નિર્ણય પાછળ ઈરાનનો માનવાધિકાર રેકોર્ડ મુખ્ય કારણ છે. તેમણે નિવેદનમાં કહ્યું કે, ઈરાન સરકાર દેશની અંદર અને બહાર માનવાધિકારોનો સતત ભંગ કરી રહી છે.
IRGC શું છે?
IRGC, જેને સિપાહ-એ-પાસદારન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની સ્થાપના ઇસ્લામિક ક્રાંતિ પછી તરત જ કરવામાં આવી હતી. તે સમયે તે એક નાનું સૈન્ય હતી, જેમાં પરંપરાગત લડવૈયાઓ નહીં, પરંતુ દેશમાં ઇસ્લામિક ક્રાંતિ ઇચ્છતા લોકો સામેલ હતા. આ પહેલા ઈરાન ખૂબ જ આધુનિક દેશ હતો. પરંતુ આવી સ્થિતિમાં ઇસ્લામિક કાયદાઓનો ઘણો વિરોધ થયો હતો. IRGCનો ઉદ્દેશ્ય આ વિરોધને ખતમ કરવાનો હતો. બાદમાં આ જૂથને ઈરાની કાયદામાં કાયદેસર તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. તેને એટલી સત્તા પણ આપવામાં આવી હતી કે તે રાજકીય અને આર્થિક બાબતોમાં દખલગીરી કરી શકે.
તે અન્ય કોઈ દેશની પરંપરાગત સેના જેવું નથી, પરંતુ તે ઈરાનનું વિશેષ વૈકલ્પિક બળ છે. આર્મી ચીફનો દાવો છે કે, તેમની પાસે એક લાખ 90 હજાર સક્રિય સૈનિકો છે, જે જમીન, સમુદ્ર અને હવામાં કામ કરે છે. તે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીને સીધુ રિપોર્ટિંગ કરે છે. આ સેનાની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તે ઈરાનની બેલિસ્ટિક મિસાઈલ અને પરમાણુ શક્તિઓ પણ ચલાવે છે.
મહત્ત્વપૂર્ણ છે કે, ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) ધાર્મિક, રાજકીય અને આર્થિક મોરચે ઈરાન માટે લડતી સેના છે. તે સિવિલ વોર(ઘરેલુ ઇમરજન્સી) તેમજ વિદેશી જોખમોના કિસ્સામાં ઇસ્લામિક રાષ્ટ્રના હિતોનું રક્ષણ કરે છે. બ્રિટન અને યુરોપિયન યુનિયન ઈરાનના આ વિશેષ દળને ટૂંક સમયમાં આતંકવાદી સંગઠન જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે.
જો IRGCને આતંકવાદી જાહેર કરવામાં આવે તો શું થશે?
આ સેનાને આતંકવાદી સંગઠન જાહેર કરવાથી મોટો ફરક એ પડશે કે ઈરાનના આ સ્પેશિયલ ફોર્સમાં જોડાવું કે સમર્થન કરવું એ ગુનો બની જશે. આ સિવાય જે પણ દેશમાં તેની સંપત્તિ જાહેર કરવામાં આવશે તેને ફ્રીઝ કરવામાં આવશે. આ સાથે કોઈપણ નાગરિક કે વેપારી સંસ્થા આ સંસ્થાને કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી શકશે નહીં.
કયા દેશોમાં IRGC ને આતંકવાદી જાહેર કરવામાં આવ્યું છે?
ઈરાનના વિશેષ IRGC દળને 2019માં યુએસ દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું કારણ કે તે હિઝબુલ્લા સહિત મધ્ય પૂર્વમાં ઘણા આતંકવાદી સંગઠનો બનાવવા માટે જવાબદાર હતું. યુરોપિયન યુનિયને તેની સાથે IRGC પર ડ્રોન હુમલા કરીને સાઉદી અરેબિયામાં તેલના ભંડારને નોંધપાત્ર નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. ઇરાકમાં તૈનાત 6થી વધુ અમેરિકન સૈનિકોની હત્યા માટે આ સૈન્ય જૂથને જવાબદાર ઠેરવતા ટ્રમ્પ વહીવટીતંત્રે વર્ષ 2019માં તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.
આ પણ જુઓ: તામિલનાડુમાં લઠ્ઠાકાંડથી 29 લોકોના મૃત્યુ, 60થી વધુ લોકો બીમાર; સરકાર એક્શન મોડમાં