ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેનેડાએ ભારત સાથેના તણાવ વચ્ચે મુંબઇમાં પોતાની વિઝા ઓફિસ કરી બંધ

  • ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે કેનેડીયન સરકારે લીધો મોટો નિર્ણય
  • કેનેડા જવા માંગતા લોકો હેડ ઓફિસ દિલ્હીથી વિઝા માટેની પ્રક્રિયા કરી શકશે 

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે આ અંગે કેનેડા તરફથી વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડાએ શનિવારે મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસની ઓફિસ બંધ કરી દીધી છે. જેથી હવે જે કોઈ પણ વ્યક્તિ કેનેડા જવા માંગે છે તેણે હેડ ઓફિસ દિલ્હીથી વિઝા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. કેનેડાએ હજુ સુધી તેના નિર્ણય પાછળ કોઈ કારણ જણાવ્યું નથી.

નાગરિકો તેમની સમસ્યાઓ માટે અમને મેઈલ કરી શકે છે : મુંબઈ ઓફિસ સ્ટાફ

મુંબઈ ઓફિસમાં કામ કરતા સ્ટાફનું કહેવું છે કે, “નાગરિકો તેમની સમસ્યાઓ માટે અમને મેઈલ કરી શકે છે. હાલમાં કચેરીમાં તમામ પ્રક્રિયાઓ બંધ છે. વિઝા સંબંધિત તમામ કામ હવે દિલ્હી ઓફિસમાંથી થશે.” ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડી ગયા હતા. ત્યારબાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે.

ભારત દ્વારા કેનેડાના 41 રાજદ્વારીઓને હટાવાયા

ભારત પર હત્યાના ગંભીર આરોપો લગાવ્યા બાદ કેનેડાએ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. તે જ સમયે જવાબી કાર્યવાહી કરતા ભારતે કેનેડિયન રાજદ્વારીને પણ હટાવી દીધા. આ પછી શુક્રવારે કેનેડાની સરકારે માહિતી આપી કે તેણે ભારતમાં હાઈ કમિશનમાંથી 41 રાજદ્વારીઓને હટાવ્યા છે. થોડા અઠવાડિયા પહેલા ભારતે કેનેડાને દિલ્હીમાં તેના હાઈ કમિશનમાંથી ડઝનેક કર્મચારીઓને પાછા બોલાવવા કહ્યું હતું, નહીં તો ભારત તેમને આપવામાં આવેલી ઈમ્યુનિટી પાછી ખેંચી લેશે.

રાજદ્વારીઓને હટાવવાએ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન : કેનેડા

કેનેડાના આરોપો બાદ ભારતે તેના પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કેનેડાએ ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે.  ભારત સિવાય કેનેડા એવો દેશ છે જ્યાં શીખોની સંખ્યા સૌથી વધુ છે. કેનેડામાં ઘણી વખત ખાલિસ્તાનના સમર્થનમાં અને ભારત વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવે છે.

આ પણ વાંચો :કેનેડિયન રાજદ્વારીઓને હટાવવા પર ટ્રુડોએ ભારત પર નિશાન સાધ્યું

Back to top button