કેનેડાએ ફરી ભારતમાં તેના નાગરિકોને સાવધાન રહેવા સલાહ આપી
કેનેડાએ ફરી એકવાર ભારતમાં રહેતા તેના નાગરિકો માટે તેની ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે. કેનેડાએ તેના નાગરિકોને કહ્યું છે કે તેઓ ભારત સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે વધુ સાવચેત રહે. ખાસ વાત એ છે કે કેનેડાએ તેની એડવાઈઝરીમાં આ અપડેટ ત્યારે કર્યું છે જ્યારે તેણે થોડા કલાકો પહેલા જ તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવવાની જાહેરાત કરી હતી. અને ભારતમાં તેમના મોટાભાગના દૂતાવાસ અને કોન્સ્યુલેટ બંધ કરી દીધા છે.
કેનેડા દ્વારા તેના નાગરિકો માટે જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર દેશમાં આતંકવાદી હુમલાના ખતરાથી ભારતમાં અત્યંત સાવધાની રાખવી જોઈએ. આ એડવાઈઝરીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડા અને ભારતમાં હાલમાં ઘટેલી ઘટનાઓના ભાગરૂપે મીડિયા અને સોશિયલ મીડિયામાં કેનેડા પ્રત્યે વિરોધ અને કેટલીક નકારાત્મક પોસ્ટ જોવા મળી રહી છે. કેનેડા વિરોધી વિરોધ પ્રદર્શનો અને કેનેડિયનોને ધમકાવવા અથવા નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ શકે છે. દિલ્હી અને એનસીઆરમાં તમારે અજાણ્યા લોકો સાથે તમારું અંતર જાળવી રાખવું જોઈએ અને કોઈપણ અજાણ્યા લોકો સાથે તમારી માહિતી શેર ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
એડવાઈઝરી જારી કરવાના થોડા કલાકો પહેલા જ કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતમાંથી 41 રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો હતો. કેનેડાએ કહ્યું કે નવી દિલ્હી રાજદ્વારીઓની પ્રતિરક્ષા રદ કરે તેવો ભય છે. આવી સ્થિતિમાં અધિકારીઓ જોખમમાં આવી શકે છે.
કેનેડાના આ નિર્ણયથી તણાવમાં વધારો થયો છે. ઓછા રાજદ્વારી સ્ટાફ સાથે ભારતમાં કેનેડાની ઓફિસોમાંથી ઓછી સેવા મળશે અને વિઝા અને ઇમિગ્રેશન પ્રક્રિયાઓ અત્યંત ધીમી હશે. કેનેડાના સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ઇમિગ્રેશન અને વિઝા ગ્રાન્ટિંગમાં ભારે કાપ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: નિજ્જર વિવાદ બાદ ભારતમાંથી કેનેડાએ પોતાના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા