શું ખરેખર EVM મશીન હેક થઈ શકે છે ? ટેક્નીકલ રીતે સમજો સમગ્ર પ્રક્રિયા
ગુજરાતની બીજા તબક્કાનું મતદાન આવતીકાલે પૂર્ણ થતાં તમામ લોકોને તેના પરિણામની રાહ રહેશે. આગામી 8મી ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા મતદાનનું પરિણામ આવશે. ત્યારે ઘણી વખત ચૂંટણીના પરિણામની વાત થાય છે ત્યારે EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની પણ ચર્ચા થાય છે. છેલ્લા લગભગ બે દાયકાથી દેશમાં યોજાનારી ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ (ECI) એ EVM ને સંપૂર્ણપણે અપનાવ્યું છે, પરંતુ EVM હેકિંગના વિવાદોએ તેનો પીછો છોડ્યો નથી. કારણ કે ઘણા લોકો એવું માને છે કે મતગણતરી દરમ્યાન EVM સાથે છેડછાડ કરવામાં આવે છે અને EVM ને હેક કરવામાં આવે છે. પરંતુ તમને ખબર છે કે શું ખરેખર EVM હેક કરવું શક્ય છે? આવો અમે તેના વિશે જાણીએ
શું છે EVM ?
ભારતમાં ચૂંટણી માટે EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થાય છે. અગાઉ બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ આપણા દેશમાં, EVM પ્રાયોગિક ધોરણે 1980 ના દાયકામાં શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા લગભગ બે દાયકાથી લગભગ દરેક ચૂંટણીમાં EVM નો ઉપયોગ થાય છે.
EVM હેકિંગ અંગેના દાવા કરવામાં આવ્યા છે
એક રિપોર્ટ અનુસાર, થોડા મહિના પહેલા યુએસ સ્થિત એક સાયબર એક્સપર્ટે દાવો કર્યો હતો કે 2014ની સામાન્ય ચૂંટણીમાં મશીન હેક કરવામાં આવ્યા હતા. જોકે, ભારતના ચૂંટણી પંચે આ દાવાઓને નકારી કાઢ્યા હતા. પરંતુ આ મશીનોમાં ટેક્નોલોજીના ઉપયોગને લઈને હંમેશા આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો અહેવાલોનું માનીએ તો આ મુદ્દે ભારતની વિવિધ અદાલતોમાં આ મુદ્દે લગભગ આઠથી દસ કેસ ચાલી રહ્યા છે પરંતુ, ચૂંટણી પંચ દર વખતે આ મશીનોને હેકિંગ પ્રૂફ કહે છે.
શું EVM હેક થઈ શકે છે ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર EVM ને બે રીતે હેક કરી શકાય છે. એક વાયર્ડ છે અને બીજી વાયરલેસ રીતે. આ બંને હેકિંગ કેવી રીતે કરવામાં આવે તેના વિશે જાણીએ.
વાયર્ડ હેકિંગઃ આ માટે EVM ના કંટ્રોલ યુનિટ સાથે છેડછાડ કરવામાં આવે છે. આ માટે, આવા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું પ્રોગ્રામિંગ એ જ ભાષામાં થાય છે, જેમાં EVM ની માઇક્રોચિપ કોડેડ હોય છે. ભારતમાં ઉપયોગમાં લેવાતા EVM માં જો આવું કોઈ બાહ્ય ઉપકરણ લગાવવામાં આવે તો તે કામ કરવાનું બંધ કરી દે છે. તેથી આવી સ્થિતિમાં ભારતમાં EVM ને હેક કરી શકાતુ નથી.
વાયરલેસ હેકિંગઃ EVM માં કોઈ રેડિયો રીસીવર આપવામાં આવતું નથી. આ મશીનોમાં ચિપ કે બ્લૂટૂથને પણ કનેક્ટ કરી શકાતા નથી. તેથી ચૂંટણી પંચના મતે EVM વાયરલેસ રીતે હેક થવાની શક્યતા નહિવત્ છે. તાજેતરના સમયમાં, ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા મશીનો VVPAT થી સજ્જ છે અને કોઈપણ છેડછાડના કિસ્સામાં તે આપમેળે બંધ થઈ જાય છે.
શું એક સાથે બે વોટ નાખી શકાય છે ?
આ સિવાય ઘણી વખત એવું પણ સાંભળવામાં આવ્યું છે કે ફરીથી બટન દબાવવા પર બીજો વોટ નાખવામાં આવે છે. આ કિસ્સામાં પણ ફક્ત પહેલા દબાવેલું બટન જ કામ કરે છે. દરેક મત પછી, કંટ્રોલ યુનિટને આગામી મતદાન માટે ફરીથી તૈયાર કરવું પડતુ હોય છે. આ રીતે, ઝડપથી બટન દબાવીને આના પર બીજી વખત મતદાન કરવું મુશ્કેલ છે. એકંદરે EVM માં એટલી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે કે તેની સાથે છેડછાડ કરવી ખૂબ મુશ્કેલ છે.