દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં કેમ્પસ ઇન્ટરવ્યું : 54 વિદ્યાર્થીઓ જીએસએફસી એગ્રોટેક લિ., એગ્રોવિકાસ એગ્રીટેક પ્રા. લિ. માં પસંદગી પામ્યા
પાલનપુર : સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગરના કુલપતિ ડો.આર.એમ. ચૌહાણની પ્રેરણા અને માર્ગદર્શનથી નિયામક, વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની તમામ મહાવિદ્યાલય અને તમામ કૃષિ પોલીટેકનીકના અંતિમ સત્રના વિદ્યાર્થીઓ શિક્ષણ પૂર્ણ કરે તેની સાથે જ નોકરીમા જોડાય તે માટે વડોદરા સ્થિત જીએસએફસી એગ્રોટેક લિમિટેડ કંપનીમાં વિવિધ જગ્યાઓ માટે તારીખ ૨૬ અને ૨૭ એપ્રિલ-૨૦૨૩ના રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી ખાતે કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પસ ઇન્ટરવ્યુંમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની તમામ મહાવિદ્યાલય અને તમામ કૃષિ પોલીટેકનીકના અંતિમ સત્રના સ્નાતક, અનુસ્નાતક તથા પોલિટેકનીકના કુલ ૪૩ વિદ્યાર્થીઓએ ઉપરોક્ત જગ્યાઓ માટે ઇન્ટરવ્યું આપ્યા હતા. જેમાથી કુલ ૨૩ વિદ્યાર્થીઓ વિવિધ જગ્યાઓ પર પસંદગી પામ્યા છે.
આ અગાઉ તાજેતરમાં જ તારીખ ૧૧ એપ્રિલ-૨૦૨૩ના રોજ એગ્રોવિકાસ એગ્રીટેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ ફિલ્ડ મેનેજરની જગ્યા માટે પણ કેમ્પસ ઇન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કુલ-૬૨ વિદ્યાર્થીઓએ ઉપરોક્ત જગ્યાઓ માટે ઇન્ટરવ્યું આપ્યા હતા. તેમાથી કુલ- ૩૨ વિદ્યાર્થીઓ કંપનીમાં વિવિધ જગ્યાઓ પર પસંદગી પામ્યા છે. આમ એકી સાથે કુલ- ૫૪ વિદ્યાર્થીઓ જીએસએફસી એગ્રોટેક લિમિટેડ અને એગ્રોવિકાસ એગ્રીટેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં પસંદગી પામતા સમગ્ર કૃષિ યુનિવર્સિટી પરિવારમા હર્ષની લાગણી છવાઇ છે.
આ પણ વાંચો : ખાતર કૌભાંડ : સબસિડીવાળા ખાતરના 300 કટ્ટા બીજી થેલીઓમાં ભરવાનો પ્લાન હતો