CBRT પદ્ધતિને લઈને વન રક્ષક વિદ્યાર્થીઓના ગાંધીનગરમાં ધામા; પોલીસ દ્વારા ડિટેઇન કરાયા
અમદાવાદ, 07 ઓગસ્ટ 2024 : છેલ્લા બે દિવસથી વન રક્ષકના ઉમેદવારો સરકાર દ્વારા લાવવામાં આવેલી CBRT પદ્ધતિ તેમજ છેલ્લા ઘણા સમયથી વન રક્ષક વિભાગમાં ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી કરવા તથા બીજી જગ્યાઓમાં વધારો કરવાની તેમજ બીજી ઘણી માંગણીઓ સાથે ગાંધીનગરના રામકથા મેદાન તથા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન જેવી જગ્યાઓએ ભેગા થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. આ વિરોધમાં વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા છે. ત્યારે શું માંગણી છે કેવા પ્રકારનો વિરોધ છે જાણીએ વિગતવાર!!
CBRT પદ્ધતિ રદ કરવામાં આવે
ફોરેસ્ટ વિભાગના ઉમેદવારો તથા વિદ્યાર્થીઓની માંગણી મુજબ સરકાર દ્વારા સીબીઆરટી પદ્ધતિ સંપૂર્ણ પણે રદ કરવામાં આવે, વન રક્ષકની જગ્યામાં વધારો કરવામાં આવે અને જે પરીક્ષા લેવામાં આવી છે તે પરીક્ષાની શિફ્ટ વાઇસ પરિણામની જાહેરાત કરવામાં આવે તેવા પ્રકારની મુખ્ય માંગણીઓ સાથે છેલ્લા બે દિવસથી વન રક્ષકના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. સોમવારે ગાંધીનગર શહેરના રામકથા મેદાન ખાતે હજારોની સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા તેઓના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આવ્યા હતા અને રાત્રી દરમિયાન વિદ્યાર્થીઓ રામકથા મેદાન ખાતે રોકાયા હતા જોકે કોઈપણ જાતની પોલીસ પરમિશન ન હોવાને કારણે વહેલી સવારે તેઓને ડીટેઇન કર્યા હતા. છતાં બીજા દિવસે પણ ઉમેદવારો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પહોંચ્યા હતા જ્યાં આગળ તેઓએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પણ અટકાયત કરાઈ હતી.
વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ જિલ્લા SP ને કરશે રજૂઆત
વિરોધ વધતાની સાથે પોલીસ દ્વારા તમામ ઉમેદવારોને શાંતિપૂર્ણ માહોલમાં સત્યાગ્રહ છાવણી ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ મંડળ જિલ્લા એસપીને રજૂઆત કરવા જઈ શકે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આવતીકાલથી ‘હર ઘર તિરંગા’ અભિયાન, 4 શહેરોમાં 3 કિ.મી લાંબી તિરંગા યાત્રા યોજાશે