ભીલડીની પ્રાથમિક શાળામાં કેડસમા પાણી ભરાયા
પાલનપુર: બનાસકાંઠામાં શુક્રવારે મોડી રાત્રે વરસેલા વરસાદને લઈને ડીસા તાલુકાના ભીલડી વિસ્તારમાં આવેલો બ્રિજ અને તેની આજુબાજુ આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેમાં અહીંની પ્રાથમિક શાળામાં પણ કેડસમા પાણી ભરાઈ જતા શાળાનું કમ્પાઉન્ડ અને ક્લાસરૂમમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેથી શિક્ષણકાર્ય પ્રાપ્ત થઈ જવા પામ્યું છે.
સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે, ભીલડીમાં અગાઉ વરસાદી પાણીનો નિકાલ થતો હતો. પરંતુ હાઈવે ઓર્થોરીટીએ મોટી ગટર બનાવી ત્યારબાદ પાણીનો નિકાલ થતો બંધ થઈ ગયો છે. જેના કારણે સોસાયટીઓમાં વરસાદીપાણી ભરાયા છે. આ અંગે આજદિન સુધી સરકારે તેની કોઈ નોંધ લીધી નથી. જેથી ભીલડી ગામની પ્રજા પરેશાન થઈ રહી છે. નેતાઓ અહીંયા આવે છે અને વાતો કરીને જતા રહે છે. ત્યાર પછી કોઈ પ્રશ્ન ઉકેલતા નથી. અમારા વિસ્તારમાં ગટરનો પ્રશ્ન અગાઉ પણ હતો, આજે પણ છે. જેનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. આમ ભીલડીમાં બનાવેલ બ્રિજની બંને તરફના રસ્તાઓ અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકો પારાવાર મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા છે.