કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો
- કેબિનેટ મંત્રી રાધવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લતીપુર ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ
- તજજ્ઞો દ્વારા પશુપાલકોને આધુનિક પશુપાલન અંગે પ્રશિક્ષિત કરવામાં આવ્યા
જામનગર, 14 જાન્યુઆરીઃ રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગઈકાલે શનિવારે જામનગર જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી તેમજ પ્રજા સુખાકારી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સૌપ્રથમ રાઘવજીભાઈની ઉપસ્થિતિમાં ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં જિલ્લા અને તાલુકા કક્ષાની સંકલિત પશુપાલન શિબિર યોજાઈ હતી.
કાર્યક્રમમાં કૃષિમંએ જણાવ્યું હતું કે, ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગ સહિતના અન્ય ક્ષેત્રો સાથે પશુપાલન અને ડેરી ક્ષેત્રને રાજ્ય સરકાર ખૂબ મહત્ત્વ આપી રહી છે. પશુપાલન ક્ષેત્રે ગુજરાત હરહંમેશ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આપણા મહામૂલા પશુધન માટે ઘર આંગણે પશુ ચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન કાળ દરમિયાન વર્ષ 2002 માં રાજ્યસ્તરે પશુ આરોગ્ય મેળાઓની શરૂઆત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 76,000 થી વધુ પશુ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને 3.10 કરોડથી વધુ પશુઓની મેળામાં તાત્કાલિક સારવાર કરવામાં આવી છે.”
કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, ”મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વર્ષ 2022-23 માં નવા 40 સ્થાયી પશુ દવાખાના અને વર્ષ 2023-24 માં નવા 150 સ્થાયી પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યક્રમો અને ઝુંબેશો થકી લોકોના જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવાના પ્રયાસો કર્યા છે, ત્યારે હવે તેમના માર્ગદર્શન હેઠળ પશુપાલન ક્ષેત્રે વિકાસનો નવો અધ્યાય શરૂ કરાયો છે. સમગ્ર રાજ્યમાં 127 મોબાઈલ વેટરનરી યુનિટ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી મળેલા સહયોગને કારણે પશુ સારવારની સર્વોત્તમ સુવિધા ઊભી કરવામાં આવશે.”
આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જીવદયા ગૌ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત લતીપુર ગૌશાળામાં ગૌમાતાનું પૂજન કર્યું હતું. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ તેમનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ભારત સરકારની 100% સહાયથી તાલીમ આપીને પ્રશિક્ષીત કરવામાં આવેલા મૈત્રી કાર્યકરોને કીટ અને પ્રમાણપત્ર, મુખ્યમંત્રી ગોમાતા પોષણ યોજના હેઠળ જીવદયા ગૌસેવા સમાજ ટ્રસ્ટ, લતીપુર, જોડિયા ગૌશાળા પાંજરાપોળ ટ્રસ્ટ માટે આર્થિક સહાય, બકરા એકમની સ્થાપના માટે સહાય, વિદ્યુત સંચાલિત ચાફકટર ખરીદી માટે સહાય અને રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના હેઠળ સહાયના ચેકની રેપ્લિકા લાભાર્થીઓને મહાનુભાવો હસ્તે આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં રાજ્ય પશુપાલન નિયામક શ્રી ડૉ. ફાલ્ગુની ઠાકર અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ ઉપસ્થિત પશુપાલકો અને ખેડૂતોને વાછરડી/પાડીનો આદર્શ ઉછેર, પશુ પોષણ, પશુ રહેઠાણ, પશુ સંવર્ધન, પશુ સ્વાસ્થ્ય, પશુ માવજત, કેન્દ્ર સરકાર દ્વારા 100% સહાયથી અમલમાં મુકવામાં આવેલી યોજનાઓ જેવી કે નેશનલ એનિમલ ડીસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ, બાળ દુધાળા પશુ સહાય યોજના, બકરા એકમ સહાય યોજના, ગાભણ પશુ ખાણ દાણ યોજના, રાષ્ટ્રીય ગોકુલ મિશન, રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ બીજદાન કાર્યક્રમના મહત્વ અને તેની ગુજરાત રાજ્યમાં પૂર્ણ કરવામાં આવેલી કામગીરી વિશે જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગણેશભાઈ મુંગરાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ જામનગર નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.તેજસ શુક્લએ કરી હતી.
ઉક્ત કાર્યક્રમમાં, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, કારોબારી સમિતિના અઘ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેન અઘેરા, બાંધકામ સમિતિના અઘ્યક્ષ શ્રીમતી પ્રવિણાબેન ચભાડિયા, લતીપુર ગ્રામ સરપંચ હસમુખભાઈ સરવૈયા, અધિક પશુપાલન નિયામક ડૉ. વસાવા, સંયુકત પશુપાલન નિયામક ડૉ. ગોહિલ, વિવિધ યોજનાના લાભાર્થીઓ, ખેડૂતો, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં જિલ્લાના પશુપાલક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
- કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લતીપુરથી કેન્દ્ર સરકાર પુરસ્કૃત 23 મોબાઈલ વેટરીનરી યુનિટનું લોકાર્પણ કરાયું
રાજ્ય સરકારની “દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું” યોજનાના સફળ મોડલના આધારે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં હરતા-ફરતા પશુ દવાખાના માટે નવી યોજના અમલમાં મુકવામાં આવી છે. કેન્દ્ર સરકારની યોજના હેઠળ ગુજરાત રાજ્ય માટે 127 મોબાઈલ વેટેરીનરી યુનિટ મંજૂર કરવામાં આવ્યા છે. તે પૈકી 23 મોબાઈલ વેટેરીનરી યુનિટનું રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લતીપુર ગૌશાળા ખાતેથી લીલી ઝંડી દર્શાવીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેટરનરી યુનિટ જામનગર સહિત આસપાસના જિલ્લાઓમાં સેવા આપશે. 1962- આ ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર પર ફોન કરવાથી તાત્કાલિક પશુપાલકોને ઘર આંગણે જ પશુ ચિકિત્સા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ઉપરાંત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર દ્વારા ગત વર્ષે તેમની સ્વ ભંડોળની ગ્રાન્ટમાંથી રૂ.3.70 લાખ પેવરબ્લોક અને રસ્તાના કામકાજ માટે મંજુર કરવામાં આવ્યા હતા. જે રસ્તો તૈયાર થઈ જતા કેબિનેટ મંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ નવનિર્મિત માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંસદ સુશ્રી પૂનમબેન માડમની ગ્રાન્ટમાંથી લતીપુર ગૌશાળામાં પાકો રસ્તો બનાવવા માટે રૂ.5 લાખની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં પશુ ચિકિત્સકોની ટીમ અને ડ્રાઈવરને મોબાઈલ વેટેરીનરી યુનિટ માટેના વાહનની પ્રતીકાત્મક ચાવી અર્પણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારના દૂધસંઘોને માળખાકીય સુવિધા અપાવવા માટે વર્ષ 2023-24 માં જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના કુલ રૂ. 29.87 કરોડના પ્રોજેક્ટ્સ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.16.89 કરોડની સહાય મંજૂર કરવામાં આવી હોવાનું કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
- જુના મોડા–નેવી મોડા ગામ વચ્ચે રૂ.175 લાખના ખર્ચે નિર્માણ પામેલ સીસી રોડનું કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના જુના મોડા-નેવી મોડા ગામ વચ્ચે નવનિર્મિત સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ.175 લાખના ખર્ચે 3.75 મીટર લંબાઈ ધરાવતા પાકા સી.સી.રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ જુના મોડા અને નેવી મોડા ગામ વચ્ચે 10 મીટરના 6 ગાળાના માઈનોર બ્રિજનું કૃષિમંત્રીના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. આ માઈનોર બ્રિજ માટે રૂ.150 લાખની ફાળવણી કરવામાં આવી છે.
કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, ”જુના મોડા અને નેવી મોડા ગામ વચ્ચે પાકા રસ્તાનું નિર્માણ થવાથી ચોમાસાની ઋતુમાં ગ્રામજનોને અવર-જવર કરવામાં સરળતા રહેશે. તેમજ માઈનોર બ્રીજનું નિર્માણ થવાથી આજુબાજુના ગામોમાં ગ્રામજનો જલ્દીથી પહોંચી શકશે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સુચારુ માર્ગદર્શન તળે જામનગર જિલ્લામાં અનેકવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. તેમજ લોકપ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે. સૌની યોજના જેવી અત્યાધુનિક યોજનાના પગલે છેવાડાના ખેડૂત સુધી નર્મદાના નીર પહોંચ્યા છે.”
જુના મોડા, નેવી મોડા, ગંગાજળા અને રામનગર- આ ચાર ગ્રામ પંચાયતો દ્વારા સંયુક્તપણે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉક્ત કાર્યક્રમમાં, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, બાંધકામ સમિતિના ચેરમેન શ્રીમતી પ્રવિણાબેન ચભાડીયા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી છૈયા, આગેવાન મુકુંદભાઈ સભાયા, ગિરિરાજસિંહ રાણા, અન્ય પદાધિકારીગણ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
આ પણ વાંચોઃ USમાં ભારતીયોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મેગા કાર રેલી કાઢી