ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની સમીક્ષા કરાશે. સાથે જ રાજ્યમાં ચાલી રહેલા વિવિધ આંદોલનો અને તેના નિરાકરણ બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. તેમજ નેશનલ ગેમ્સની તૈયારીને લઈને પણ બેઠકમાં સમીક્ષા કરાશે. ચૂંટણી પૂર્વે રાજ્યમાં મહત્વના પ્રોજેક્ટની સ્થિતિ-કામગીરી બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે.
બેઠકમાં વિવિધ મુદાઓ પર થશે ચર્ચા
પીએમ મોદી આગામી તારીખ 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પીએમ મોદીના બે દિવસીય પ્રવાસની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવશે. તારીખ 29 સપ્ટેમ્બરના રોજ PM મોદી ભાવનગરમાં રોડ શો કરશે અને સભા સંબોધશે. ત્યારબાદ અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. સાથે જ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે માં અંબાની આરતી ઉતારી ગરબામાં હાજરી આપશે.
મહત્વપૂર્ણ બાબત છે કે હાલ રાજ્યમાં વિવિધ કર્મચારીઓ પોતપોતાની માંગને લઇને આંદોલનો કરી રહ્યાં છે. ત્યારે તેઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એ માટે આજે બેઠકમાં મહત્વની ચર્ચા થઇ શકે છે.