વક્ફ બિલને કેબિનેટ તરફથી મંજૂરી મળી, 10 માર્ચથી શરુ થઈ રહેલા સંસદ સત્રમાં લાવી શકે છે સરકાર


નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2025: કેબિનેટે ગુરુવારે વક્ફ સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેપીસીના રિપોર્ટના આધાર પર તેને લીલીઝંડી આપવામાં આવી છે. તેને સંસદના બજેટ સત્રના બીજા સત્ર દરમ્યાન રજૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 19 ફેબ્રુઆરીના રોજ કેબિનેટની બેઠકમાં આ સંશોધનને મંજૂરી આપવામાં આવી છે. આ સંશોધનના આધાર પર બિલને મંજૂરી મળી. વક્ફ બિલને પહેલી વાર ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું પણ વિપક્ષના વિરોધના કારણે તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. બાદમાં થોડા સંશોધન બાદ જગદંબિકા પાલની આગેવાનીવાળી સમિતિએ આ રિપોર્ટ સરકારને સોંપ્યો હતો.
ત્યાર બાદ 13 ફેબ્રુઆરીના રોજ વક્ફ બિલ પર સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો હતો. સમિતિના રિપોર્ટના આધાર પર વક્ફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો, હવે આ બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. બિલને બજેટ સત્રના બીજા સત્રમાં રજૂ કરી શકે છે. બજેટનું બીજુ સત્ર 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે.
અહીં ઉલ્લેખનિય છે કે, આ અગાઉ વક્ફ બિલ પર જેપીસી રિપોર્ટને ખોટો ગણાવતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે આવા નકલી રિપોર્ટને અમે નથી માનતા, સદન તેને ક્યારેય નહીં સ્વીકારે.