અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતમાં ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટને કેબિનેટે આપી લીલીઝંડી

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં CCA અને કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતના ધોલેરામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયની જાહેરાત કરી છે. અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે ધોલેરા એરપોર્ટ માટે 1501 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. આ એરપોર્ટનું નિર્માણ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવશે.

અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે, એરપોર્ટનું નિર્માણ 4 વર્ષમાં પૂર્ણ થશે અને તે વર્ષ 2025-26 થી કાર્યરત થવાની અપેક્ષા છે. વર્ષ 2016માં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પોલિસી હેઠળ ધોલેરામાં એરપોર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી છે. આ એરપોર્ટ 1501 હેક્ટર જમીનમાં બનશે.

ધોલેરા એરપોર્ટ માટે 51 ટકા શેરહોલ્ડિંગ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ભારત સરકાર પાસે રહેશે. 33% ગુજરાત સરકાર અને રાષ્ટ્રીય ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ ટ્રસ્ટ (NICDIT) પાસે 16 ટકા હશે. તેને 48 મહિનામાં બનાવીને તૈયાર કરવામાં આવશે. તેમાં 40 ટકા પૈસા શેરમાંથી આવશે અને 60 ટકા લોન તરીકે જમા કરવામાં આવશે.

તેમાં બે પ્રકારની સુવિધા હશે. આ એરપોર્ટ થકી એક તરફ મુસાફરોને સુવિધા મળશે. બીજી તરફ કાર્ગોની સુવિધા હશે. ગતિશક્તિ પ્રોજેક્ટની દિશામાં આ એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે, દિલ્હી-મુંબઈ કોરિડોરમાં આવા આંઠ નોડ બનાવવાના છે. તેમાંથી એક ધુલેરા છે. મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી વિશે વાત કરીએ તો ધોલેરા પ્રદેશ લોજિસ્ટિક્સની જરૂરિયાતો પૂરી કરશે. જ્યારે ધોલેરા ઇન્ટરનેશન એરપોર્ટ પરથી 4ઇ એરક્રાફ્ટ ઉડી શકે તે માટે યોગ્ય એવો 3200 મીટર લાંબો રન-વે વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં બીજો રન-વે બનાવવામાં આવશે. જ્યારે ત્રણેય તબક્કા પૂર્ણ થશે ત્યારે આ એરપોર્ટ પરથી 100 મિલિયન જેટલા મુસાફરો પ્રતિવર્ષ આવન-જાવન કરી શકશે. વિમાન પાર્કિંગ માટે 12 એપ્રોન બનાવવામાં આવશે અને 20,000 ચોરસમીટર જમીનમાં પેસેન્જર ટર્મિનલ બનશે.

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોનું ટ્રાફિક સતત વધી રહ્યું છે. હાલમાં સ્થિતી એટલી વિકરાળ બની ગઈ છે કે એરપોર્ટની ક્ષમતાથી વધુ પેસેન્જરોની અવરજવર કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટની ચારે બાજુ રેસિડેન્ટ વિસ્તાર હોવાથી હવે વઘારાની કોઈ રહી નથી તેથી હવે વધારાના રન-વે સહિત તેનું વિસ્તરણ થઈ શકે તેમ નથી. આ સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યના પેસેન્જરોની સુવિધા માટે અમદાવાદથી 80 કિલોમીટર દૂર અને ધોલેરાથી 20 કિલોમીટર દૂર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ એરપોર્ટને કેન્દ્ર અને રાજ્ય સરકારના પર્યાવરણ સહિત તમામ વિભાગોની મંજૂરી મળી ગઈ છે.

આ એરપોર્ટને રેલ્વે અને હાઈવે જેવી મલ્ટી મોડલ કનેક્ટિવિટી દ્વારા જોડવામાં આવશે. પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડથી વધુનો ખર્ચ થશે. જ્યારે એરપોર્ટની માલિકી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારની રેહશે.

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની ટાઇમલાઇન

2007 – ધોલેરામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝિયન (એરપોર્ટ સહિત)ની જાહેરાત

2010 – એરપોર્ટ ઓથોરિટી દ્વારા ટેકનો-ઇકો. ફીઝિબિલિટી સ્ટડી માટે સાઇટ વિઝિટ

2012 – ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી

2014 – કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટને સાઇટ ક્લીયરન્સ આપવામાં આવ્યું

2015 – કેન્દ્રના પર્યાવરણ વિભાગે પ્રોજેક્ટ પર મંજૂરીની મહોર લગાવી

2019 – એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ. સાઇન કર્યા

2021 – એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફેઝ-1 માટે 987 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું

2022 – કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) દ્વારા મંજૂરી અપાઈ

Back to top button