ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CAAનો કાયદો ક્યારેય પરત લેવામાં આવશે નહીં: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

  • વિપક્ષ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકને પણ રાજકીય ફાયદો માને છે: કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હી, 14 માર્ચ: નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAAના અમલીકરણની સૂચના જારી થયા બાદ હવે તેને દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ વિરોધ પક્ષો સતત CAA વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું કહેવું છે કે, “વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી. CAAનો કાયદો ક્યારેય પરત લેવામાં આવશે નહીં.”

 

અમિત શાહે મીડિયા એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી. તેઓ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકને પણ રાજકીય ફાયદો માને છે, તો શું આપણે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરવી જોઈએ? વિપક્ષે તો કલમ 370 હટાવવાને રાજકીય લાભ સાથે પણ જોડ્યો હતો. અમે 1950થી કહી રહ્યા છીએ કે અમે કલમ 370 હટાવીશું. તેમનો ઈતિહાસ છે કે તેઓ બોલે છે પણ કરતા નથી, મોદીજીનો ઈતિહાસ છે કે બીજેપી કે પીએમ મોદીએ જે કંઈ પણ કહ્યું તે પથ્થરની લકીર છે. PM મોદીની દરેક ગેરંટી પૂરી થઈ છે.

CAAને લઈને વિપક્ષની યોજનાઓ પૂર્ણ નહીં થાય: અમિત શાહ

વિપક્ષી INDI ગઠબંધન જો કેન્દ્ર પર સત્તામાં પરત આવશે તો તેઓ CAAને રદ્દ કરશે તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે, વિપક્ષ પણ જાણે છે કે તેમની સત્તામાં આવવાની શક્યતાઓ ઘણી ઓછી છે. CAA ભાજપ દ્વારા લાવવામાં આવ્યું છે અને તેને મોદી સરકારમાં લાગુ કરવામાં આવ્યું હતું. તેને હવે રદ્દ કરવું અશક્ય છે. અમે સમગ્ર દેશમાં આ કાયદા અંગે જાગૃતિ વધારીશું જેથી જે લોકો તેને રદ્દ કરવા માગે છે તેઓ તેમની યોજનામાં સફળ ન થાય.

આ કાયદો ગેરબંધારણીય નથી: કેન્દ્રીય ગૃહમંત્રી

CAA ગેરબંધારણીય હોવાના આરોપોને નકારી કાઢતા અમિત શાહે કહ્યું કે, આ કાયદો બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરતું નથી. તેમણે કહ્યું કે, તેઓ હંમેશા કલમ 14ની વાત કરે છે. પરંતુ આપણે ભૂલીએ છીએ કે આ આર્ટીકલમાં બે કલમો છે. આ કાયદો કલમ 14નું ઉલ્લંઘન કરતું નથી. આ કાયદો એવા લોકો માટે છે જેઓ ભાગલા વખતે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશમાં રહ્યા અને ત્યાં ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે અને ભારત આવવા માંગે છે.

અમિત શાહનો મમતા બેનરજી પર કટાક્ષ

CAA નોટિફિકેશન અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવેદન પર અમિત શાહે કહ્યું કે, તે દિવસ દૂર નથી જ્યારે બંગાળમાં પણ ભાજપ સત્તામાં આવશે અને ઘૂસણખોરી બંધ કરશે. જો તમે આ પ્રકારની રાજનીતિ કરો છો અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દા પર તુષ્ટિકરણની રાજનીતિ કરીને ઘૂસણખોરીને મંજૂરી આપો છો અને રેફ્યુજીઓને નાગરિકતા આપવાનો વિરોધ કરો છો તો દેશની જનતા તમારી સાથે નથી. મમતા બેનરજી શરણ લેવા અને ઘૂસણખોરી કરવા વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. CAA ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં. આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે અને અમે આમાં સમાધાન નહીં કરીએ.

આ પણ જુઓ: સંદેશખલીમાં શાહજહાં શેખના ઠેકાણાઓ પર EDની મોટી કાર્યવાહી, ચાર જગ્યાએ પાડયા દરોડા

Back to top button