CAA પથ્થરની લકીર છે તેને લાગુ થતાં કોઈ રોકી નહીં શકેઃ અમિત શાહ
નવી દિલ્હી, 7 માર્ચઃ “એટલી ખાતરી રાખો કે CAA પથ્થરની લકીર છે, આગામી લોકસભા ચૂંટણી પહેલાં તે કોઈપણ હિસાબે લાગુ થશે” તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુરુવારે વધુ એક વખત ભારપૂર્વક કહ્યું હતું.
એક ટીવી ચેનલના કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા અમિત શાહે વિવિધ મુદ્દે વાત કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ માટે આગામી ચૂંટણીમાં 370 બેઠક અને એનડીએ માટે 400 કરતાં વધુ બેઠક મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્યાંથી લઈને દેશની આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વગેરેને લગતા પ્રશ્નોના તેમના નિર્ભિક અંદાજ પ્રમાણે જવાબ આપ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે, સીએએ વિશે ઘણી વખત વાત થાય છે. તમે પોતે પણ અગાઉ કહી ચૂક્યા છો કે સીએએ લાગુ કરવામાં આવશે, તો હાલ કહી શકો કે આ અંગે સરકારનું શું મંતવ્ય છે?
તેના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, સીએએ પથ્થરની લકીર છે. ચૂંટણી પહેલાં એ લાગુ થશે તેમાં કોઈએ શંકા રાખવાની જરૂર નથી અને સીએએને લાગુ થતાં કોઈ રોકી શકશે નહીં.
અમિત શાહે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ ઘણી બાબતો ભૂલી ગયો છે. તે મતબેંકને કારણે જાણીજોઈને અમુક બાબતો ભૂલી જાય છે, પરંતુ હું દેશને યાદ અપાવવા માગું છું કે, સીએએ વિશે બંધારણ સભામાં વચન આપવામાં આવેલું છે. દેશનું વિભાજન થયું ત્યારે પાકિસ્તાન અને હવે બાંગ્લાદેશમાંથી લાખો લોકો ભારત આવ્યા છે. તે સમયે કોંગ્રેસે કહ્યું હતું કે, દેશમાં તમારું સ્વાગત છે. પરંતુ ત્યારબાદ મતબેંકના દબાણમાં કોંગ્રેસે આ વાતને હાંસિયામાં ધકેલી દીધી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, દેશ જો 15 ઑગસ્ટ, 1947નું એ વચન યાદ ન રાખે અને ભારતીય નાગરિકોને તેમનો અધિકાર ન આપે તો એ વિશ્વાસઘાત ગણાશે. અમારી સરકાર એ લોકોને નાગરિકત્વ પણ આપશે અને અધિકાર પણ આપશે.
આ પણ વાંચોઃ કોંગ્રેસને વધુ એક ફટકો : કેરળના પૂર્વ CM કે.કરૂણાકરણની પુત્રી BJP માં જોડાયા