BZ ગ્રુપના ઠગ ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજીની આજે સુનાવણી
- BZ ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓના CEO પણ ભૂગર્ભમાં ઉતરી ગયા
અમદાવાદ, 6 ડિસેમ્બર, BZ ગ્રુપના રૂ. 6000ના કૌભાંડમાં CID ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલા અને તેના મળતિયાઓ સામે 27 નવેમ્બરે ફરિયાદ દાખલ કરી છે. બીઝેડ ગ્રુપ દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ફરાર થઈ ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. ધરપકડથી બચવા ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલાએ આગોતરા જામીન અરજી કરી હતી. ભૂપેન્દ્ર ઝાલાએ આ આગોતરા જામીન માટે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેની વિરુદ્ધ આજે 6 ડિસેમ્બરે સુનાવણી થશે.
BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા એન્ડ કંપનીએ સાબરકાંઠા અને ગુજરાતમાં અનેક જગ્યાએ કરોડોની ઠગાઇ આચરી છે. ત્યારે રાજ્યભરમાં ભૂપેન્દ્ર ઝાલાની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ આરોપી કોર્ટની શરણે પહોંચી ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાએ ધરપકડથી બચવા માટે જામીન અરજી કરી છે. ભૂપેન્દ્ર ઝાલાએ અરજીમાં પોતે કોઇ કૌભાંડ ન કર્યાની વાત કરી હતી. તેણે પોલીસ તપાસમાં સહકાર આપવાની પણ વાત કરી હતી. અને ખોટી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે. કૌભાંડ સામે આવ્યા બાદ મહાઠગે હવે પોલીસ તપાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી છે.
BZ ગ્રુપના ગ્રુપ અને તેમની ઠગ ટોળકી અલગ અલગ જગ્યાઓ પર ઓફિસ ખોલીને અનેક લોકો પાસે રોકાણ કરાવતા હતા. જેના લીધે ભુપેન્દ્ર સિંહ ઝાલાના BZ ગ્રૂપની પેટા કંપનીઓ અને તેના CEO વિરુદ્ધ પણ CID ક્રાઈમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આર. કે. એન્ટરપ્રાઇઝના CEO હરપાલસિંહ ભરતસિંહ ઝાલા તેની સાથે સાથે હરિસિદ્ધિ ફાયનાન્સિયલ સર્વિસના CEO અજય સિંહ પરમાર અને કે. કે. એન્ટરપ્રાઇઝના CEO વિરુદ્ધ ગાંધીનગર CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. દર મહિને 5થી 30 ટકા રોકાણના નામે આ કંપનીઓ દ્વારા ઠગાઇ આચરવામાં આવતી હતી. ચેઇન બનાવવાનું જણાવી રોકાણકારોને લાલચ આપીને ખુલ્લેઆમ લૂંટવામાં આવતા હતા.
ભૂપેન્દ્ર સિંહ ઝાલાનો મુખ્ય એજન્ટ સામે પણ બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર સિંહ ઝાલા અને મુખ્ય એજન્ટ મયુર દરજી વિરુદ્ધ CID ક્રાઈમ દ્વારા વધુ એક ગુનો દાખલ કર્યો છે. ખેડાના કપડવંજના કમલેશ ચૌહાણે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે BZ ફાઇનાન્સિયલ સર્વિસમાં વિવિધ રોકાણ પર 3 ટકાથી 120 ટકા જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપી ઠગાઈ કરી હોવાનો આરોપ લાગી રહ્યો છે. કમલેશ ચૌહાણ અને મિતેષ પ્રજાપતિ સાથે રૂપિયા 2 લાખ 10 હજારની ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો.. અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ક્રાઇમબ્રાંચે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો