અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

BZ ગ્રુપ કૌભાંડઃ ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ તરીકે કામ કરનારા શિક્ષકોમાં ફેલાયો ફફડાટ

મોડાસા, 30 નવેમ્બર, 2024: ભૂપેન્દ્ર ઝાલાની પોન્ઝી સ્કીમમાં એજન્ટ તરીકે જોડાયેલા શિક્ષકો હવે મોં સંતાડી રહ્યા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત અન્ય એજન્ટો પણ હવે તેમના પોતપોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ઝાલાની સાથેના ફોટા અને પોસ્ટ ડીલીટ કરી રહ્યા હોવાની માહિતી પણ મળી રહી છે. દરમિયાન એવા પણ ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે કે, જે લાલચુ નાગરિકોએ એકના ડબલ મેળવી લેવાની લાલચમાં, પૂરતી તપાસ કર્યા વિના જે એજન્ટો મારફત રોકાણ કર્યું હતું એ જ લોકો હવે એજન્ટોનો જવાબ માગી રહ્યા છે અને ક્યાંક તો કાયદો પણ હાથમાં લઈ રહ્યા છે.

અરવલ્લી જીલ્લા સહિત ગુજરાત તથા દેશના અન્ય રાજ્યના જીલ્લાઓમાં કરોડોનું કૌભાંડ આચરનાર ભૂપેન્દ્ર ઝાલા એજન્ટોને એવી તો કેવી ભૂરકી પીવડાવી છે કે આટ આટલું થવા છતાંય એજન્ટો એકસાથે કહે છે કે ભૂપેન્દ્ર ઝાલા નિર્દોષ છે અને તેને રાજકીય ષડયંત્રના ભાગ રૂપે ફસાવવામાં આવ્યો છે. એજન્ટ પાસે જ્યારે કોઈ રોકાણકાર જઈને પોતાના રોકાણ વિશે સવાલ પૂછે ત્યારે એજન્ટ કોઈપણ હિચકિચાટ વગર કહે છે કે તમારા રૂપિયા સલામત છે અને ટૂંક સમયમાં જ પરત મળી જશે. પરંતુ કેટલાક પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. જેમ કે, શું એજન્ટો અંદરથી હચમચી ગયો છે કે આવનાર ભવિષ્ય શું હશે? તેમને પ્રશ્ન સતાવી રહ્યો છે કે કેવી રીતે રોકાણકારોને રૂપિયા પરત કરી શકીશું? સી.આઇ.ડી. ધરપકડ કરશે તો શું કરીશું? બી.ઝેડ.ના નામમાંથી પોતાનું નામ કેવી રીતે હટાવીશું?

તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

આ જ મથામણ વચ્ચે એજન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વગેરે ઉપરથી ભૂપેન્દ્ર ઝાલા સાથેના ફોટા ડિલીટ કરી રહ્યા છે. આ એ જ ફોટા છે જે થોડા સમય પહેલાં હોંશે હોંશે સ્ટેટસમાં મૂકતા હતા. આ એ જ ફોટા છે જે ભૂપેન્દ્ર ઝાલા પાસેથી મૂલ્યવાન ભેટ મેળવતી વખતે પડાવ્યા હતા. આ એ જ ફોટા છે જે ભૂપેન્દ્ર ઝાલાના હસ્તે મોંઘી ગાડીઓ સ્વીકારતી વખતે પડાવ્યા હતા. આ એ જ ફોટા છે જે ભૂપેન્દ્ર ઝાલા પાસેથી મોંઘા મોબાઈલ મેળવતી વખતે પડાવ્યા હતા.

જે રોકાણકારોએ પોતે કશી તપાસ કર્યા વિના એકના ડબલ મેળવી લેવાની લાલચ અને લોભમાં રોકાણ કરવા દોડી ગયા હતા એ જ લોકો હવે એજન્ટને સવાલ પૂછે છે કે રોકાણ ક્યારે પરત મળશે? તો એજન્ટ દ્વારા જણાવવામાં આવે છે કે ટૂંક સમયમાં જ તમારા રૂપિયા તમને મળી જશે. ત્યારબાદ લોભિયા અને લાલચુ રોકાણકાર બીજો સવાલ પૂછે છે કે શા માટે ભૂપેન્દ્ર ઝાલા ફરાર થઈ ગયા છે? પરંતુ આવા અઘરા પ્રશ્નોના સંતોષકારક જવાબ નહીં મળવાથી લાલચુ રોકાણકારો કાયદો હાથમાં લેવા લાગ્યા હોવાનું જાણવા મળે છે. કેટલીક જગ્યાએ લાલચુ-લોભિયા રોકાણકારો દ્વારા એજન્ટો સાથે મારામારી કરવામાં આવી હોવાની માહિતી મળી છે. આવા એક બનાવમાં અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના અણિયોર નજીકના વિસ્તારમાં બે એજન્ટોને માર મારવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

દરમિયાન, સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી રહી છે કે, BZ ગ્રુપના ઠગની વાતોમાં સપડાઈને તેના એજન્ટ બનેલા ઘણા શિક્ષકો પણ હવે ફફડી રહ્યા છે. રાજ્યના શિક્ષણખાતા દ્વારા ભૂપેન્દ્ર ઝાલા સાથે એજન્ટ તરીકે જોડાયેલા લાલચુ અને લોભિયા શિક્ષકો ઉપર તવાઈ આવે એવી સંભાવનાને પગલે આ લોભિયા શિક્ષકો બચવા માટે રસ્તા શોધી રહ્યા છે. શિક્ષક તરીકે ફરજ બજાવીને વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જ્વળ કરવાની જેમની જવાબદારી છે એવા સાબરકાંઠા જિલ્લાના ઘણા શિક્ષકો ઝાલાની ઝોલમાં સપડાયા હતા અને કહેવાય છે કે, આ લોભિયા શિક્ષકો ચાલુ સ્કૂલે અન્ય લોકોને બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવા માટે સમજાવતા હતા. વળી, ગયા અઠવાડિયે જ્યારે આ કૌભાંડ છતું થયું ત્યારે ઝાલાની ઝોલમાં એજન્ટ બનેલા આવા ઘણા શિક્ષકો રજા ઉપર ઉતરી ગયા હતા. હવે સૂત્રો દ્વારા જાણવા મળે છે કે, એ ગાળામાં રજા પર ઉતરેલા શિક્ષકો પાસેથી રજાનું કારણ પૂછવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાત: ભુપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો કરન્સીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યાની કડી મળી

આ પણ વાંચોઃ શું BZ ગ્રુપના ઠગે દુબઈમાં પણ રોકાણ કર્યું છે? કઈ પ્રાઈવેટ બેંક મારફત દુબઈ પૈસા ટ્રાન્સફર કર્યા હતા?

તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button