ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

BZ ગ્રુપ કૌભાંડઃ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડથી લઈ અત્યાર સુધી શું શું થયું, જાણો

ગાંધીનગર, 28 ડિસેમ્બર : સાબરકાંઠાના BZ ગ્રૂપ કૌભાંડમાં ઝડપાયેલા ભુપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે શુક્રવારે મહેસાણા પંથકના ફાર્મ હાઉસમાંથી સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની પુછપરછ માટે તેને ગાંધીનગર લાવવામાં આવ્યો છે. આજે શનિવારે તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવામાં આવનાર છે. ત્યારે આ મહાઠગની ધરપકડથી લઈ અત્યારસુધીમાં શું થયું તેની માહિતી સામે આવી છે.

ભૂપેન્દ્રસિંહ 10 દિવસ કિરણસિંહના ફાર્મમાં રોકાયો

રૂ.6 હજાર કરોડના પોન્ઝી સ્કીમ પ્રકરણમાં સીઆઈડી ક્રાઇમે 30 દિવસના અંતરાલ બાદ ભુપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણાના વિસનગર પાસે આવેલા દવાડા ગામના કિરણસિંહના ફાર્મમાંથી ઝડપી લીધો હતો. આરોપી ભુપેન્દ્રસિંહ અહીં 10 દિવસ રોકાયો હતો. જે 10 દિવસ ત્રણ અલગ અલગ તબક્કામાં તેણે વિતાવ્યા હતા.

ચાર દિવસ રેકી કરી ભુપેન્દ્રસિંહને પોલીસે દબોચ્યો

મહેસાણામાં ભૂપેન્દ્ર ઝાલાએ જ્યાં આશરો લીધો હતો તે બાબતે અનેક ખુલાસા થઈ રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી સીઆઈડી ક્રાઈમ દ્વારા મહેસાણામાં ધામા નાંખ્યા હતા. સીઆઈડી ક્રાઈમ વેશ પલટો કરીને ભૂપેન્દ્ર ઝાલા અને કિરણસિંહ ચૌહાણને પકડી લીધા હતા. કિરણસિંહનાં સંપર્કે સીઆઈડી ક્રાઈમને ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડ્યો હતો.

રાજસ્થાન અને મધ્યપ્રદેશ ફરવા ગયો હતો ભૂપેન્દ્ર

કિરણસિંહનો વારંવાર સંપર્ક કરતા ભૂપેન્દ્ર ઝાલાના મળતીયાઓ સાથે હતા. કિરણસિંહનાં સંપર્કે સીઆઈડી ક્રાઈમને ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચાડ્યો છે. સીઆઈડીની તપાસમાં ભૂપેન્દ્ર ઝાલા બગલામુખી મંદિરે ગયો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. મંદિરે દર્શન કરી આરોપી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં 400 કરોડથી વધુનાં વ્યવહાર કર્યાની ભૂપેન્દ્ર પટેલે કબૂલાત કરી હતી.

દરરોજ સીમકાર્ડ બદલતો હતો ભૂપેન્દ્ર

ચોંકાવનારી વાત એ છે કે  તે અરવલ્લી થઇને મધ્યપ્રદેશ ભાગી ગયો હતો અને ત્યારબાદ રાજસ્થાન ગયો હતો અને ત્યારબાદ તે બનાસકાંઠા અને મહેસાણા પહોંચ્યો હતો.  ભારતના અલગ અલગ રાજ્યો અને જિલ્લાઓમાં નાસતો ફરતો હતો. આ દરમિયાન તે વિવિધ હોટલો અને ફાર્મ હાઉસમાં રોકાયો હતો. એટલું જ નહી પોલીસ ધરપકડથી બચવા માટે તે દરરોજ નવા સીમકાર્ડ ખરીદતો, પરિવાર અને મળતીયા સાથે વાતચીત કરતો હતો. ભુપેન્દ્રસિંહ ઝાલા કોના સંપર્કમાં હતો તે મામલે પૂછપરછ કરાઇ રહી છે.

આ પણ વાંચો :- દિલ્હીમાં મહિલા સન્માન યોજના ઉપર વિવાદ, LGએ આપ્યા તપાસના આદેશ

Back to top button