ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ભારતને બાય, ચીનને હાય! વિદેશી રોકાણકારોએ $10 બિલિયન પાછા ખેંચી લીધા

  • આ માર્ચ 2020માં કોરોના રોગચાળાને કારણે માર્કેટ ક્રેશ દરમિયાન જોવા મળેલા $7.9 બિલિયનના વેચાણ કરતાં પણ વધુ

નવી દિલ્હી, 21 ઓકટોબર: વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં વેચવાલીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ઓક્ટોબરના તહેવારોના મહિનામાં અત્યાર સુધીમાં લગભગ $10 બિલિયનનું રોકાણ પાછું ખેંચી લીધું છે.  આ દરમિયાન, વિદેશી રોકાણકારોએ છેલ્લા એક મહિનામાં ચીનમાં 18.7 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ રકમ માર્ચ 2020માં કોરોના રોગચાળાને કારણે માર્કેટ ક્રેશ દરમિયાન જોવા મળેલા $7.9 બિલિયન (રૂ. 58,632 કરોડ) વેચાણ કરતાં પણ વધુ છે. ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ રૂ. 55,595 કરોડની ખરીદી કરી હતી પરંતુ તેમ છતાં નિફ્ટી 23% ઘટ્યો હતો.

NSDLના ડેટા અનુસાર, ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં FIIsએ રૂ. 83,000 કરોડથી વધુના શેર વેચ્યા છે જ્યારે DIIએ રૂ. 74,200 કરોડના શેર ખરીદ્યા છે. DII મોટે ભાગે મ્યુચ્યુઅલ ફંડ છે. પરંતુ આ વખતે સારી વાત એ છે કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારે વેચવાલીથી છૂટક રોકાણકારો ગભરાયા નથી અને આ મહિનામાં નિફ્ટીમાં લગભગ 4%નો ઘટાડો થયો છે. FIIની વેચવાલી વચ્ચે, DIIએ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 4 લાખ કરોડની રેકોર્ડ ખરીદી કરી છે.

ચીનમાં ખરીદી, ભારતમાં વેચવાલી

ઇલારા સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, ભારતના સમર્પિત ફંડોમાં પ્રવાહની ગતિ 2022 પછી પ્રથમ વખત ધીમી પડી છે, જ્યારે ચીનમાં વિદેશી ફંડનો પ્રવાહ સતત ચોથા સપ્તાહે ચાલુ રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં વિદેશી રોકાણકારોએ ચીનમાં 18.7 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. મળતી માહિતી મુજબ, FII દ્વારા વેચવાલી માટે મુખ્યત્ત્વે ચીન જવાબદાર છે. તેઓ ‘ચીનમાં ખરીદી, ભારતમાં વેચવાલી’ની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં, નિફ્ટીમાં 4%નો ઘટાડો થયો છે જ્યારે હેંગસેંગમાં 14% અને શાંઘાઈનો CSI 300 ઇન્ડેક્સમાં 22% વધ્યો છે.

ચીનની સરકારે અર્થવ્યવસ્થાને પુનઃજીવિત કરવા માટે તાજેતરમાં એક મોટા સ્ટિમ્યુલસ(પ્રોત્સાહન) પેકેજની જાહેરાત કરી છે. જેના કારણે ત્યાંના બજારોમાં ઘણો ગ્રોથ જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, રોકાણકારોને આશા છે કે ચીન સરકારના આ પગલાથી 2024માં ગ્રોથને વેગ મળશે, પરંતુ તેની અસર આગામી એકાદ વર્ષ સુધી જોવા મળી શકે છે. જેફરીઝના ક્રિસ વૂડે તાજેતરમાં ચીનમાં ભારતના ખર્ચે પોતાનું વેટેજ વધાર્યું છે. જોકે, ચીન સરકારના પેકેજને લઈને ફંડ મેનેજમેન્ટ કોમ્યુનિટીમાં કોઈ સહમતિ નથી.

ચીનમાં તેજી ક્યાં સુધી ચાલશે?

મેક્વેરીનું કહેવું છે કે, ચીનનું આ પગલું તરત જ સારું લાગે છે પરંતુ તેનાથી દેશની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. તેવી જ રીતે, નાના કેસ મેનેજર અને ગ્રોથ ઇન્વેસ્ટિંગના સ્થાપક નરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, અમેરિકામાં ચૂંટણી યોજાવાની છે, તેથી માનવામાં આવે છે કે ચીન સાથે વેપાર યુદ્ધ વધુ આક્રમક બનશે. જોકે, FIIના આઉટફ્લો માટે માત્ર ચીન જ કારણ નથી.

રોકાણકારો ભારતીય ઈક્વિટીમાં ઓવરવેલ્યુએશન, કોર્પોરેટ અર્નિંગ સીઝનની સુસ્તી અને ડોલરની મજબૂતાઈથી પણ ચિંતિત છે. માર્કેટના અનુભવી અજય બગ્ગા કહે છે કે, જ્યારે બજારો આટલા ઊંચા સ્તરે હોય છે, ત્યારે કમાણી ચૂકી જવા અને ખરાબ સમાચાર માટે થોડી સહનશીલતા હોતી નથી. ડૉલર ઇન્ડેક્સ 103ના સ્તરથી ઉપર વધવાની અસર પણ ભારત પર પડી રહી છે. બીજા ક્વાર્ટરની કમાણીની સિઝન મુશ્કેલીઓ વધારી કરી રહી છે. કંપનીના બીજા ક્વાર્ટરના આંકડા અપેક્ષા મુજબ ન હોવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટાર્ગેટ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

આ પણ જૂઓ: વીમા પ્રીમીયમ ઉપરના GST દરમાં થઈ શકે છે ફેરફાર, જાણો શું સસ્તું થશે અને શું મોંઘુ થશે
Back to top button